વિઝા રિન્યુઅલમાં વિલંબથી લાખો વિદેશી અધિકારો અને લાભથી વંચિત

હોમ ઓફિસ દ્વારા યોગ્ય દસ્તાવેજો ઉપલબ્ધ ન કરાવાતાં હોવાથી યુકેમાં લાખો લોકોને રોજગાર, અભ્યાસ અને અન્ય લાભોથી વંચિત રહેવાની નોબત

Tuesday 06th February 2024 10:46 EST
 
 

લંડનઃ હોમ ઓફિસ દ્વારા યોગ્ય દસ્તાવેજો ઉપલબ્ધ ન કરાવાતાં હોવાથી યુકેમાં લાખો લોકોને રોજગાર, અભ્યાસ અને અન્ય લાભોથી વંચિત રહેવાની નોબત આવી શકે છે. યુકેમાં કાયદેસર રહેતા વિદેશી નાગરિકો સાથેનું આ વર્તન સરકાર વિરુદ્ધ કરાયેલી ન્યાયિક સમીક્ષાનો વિષય છે. રેફ્યુજી એન્ડ માઇગ્રન્ટ ફોરમ ઓફ એસેક્સ એન્ડ લંડન દ્વારા આ કાયદાકીય પગલું લેવાયું છે. ચેરિટીનો અંદાજ છે કે વિઝા લંબાવવાની રાહ જોઇ રહેલા હજારો લોકોને ખોટી રીતે નોકરીમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યાં છે અથવા તો તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

યુકેમાં કાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને કેટલાંક ચોક્કસ વર્ષ બાદ તેમનું સ્ટેટસ રિન્યૂ કરાવવું પડે છે. તેના માટે રાહ જોવાના સમયગાળામાં તેઓ થ્રી સી લીવ પર હોય છે. તે તેમને રોજગાર, અભ્યાસ અથવા તો અન્ય લાભો મેળવવાના અધિકારોનું રક્ષણ કરવા માટે હોય છે પરંતુ નોકરીદાતા દસ્તાવેજો જોવા માગે છે અને દસ્તાવેજો વિના તેમના સ્ટેટસ નિશ્ચિત થતાં નથી.

સરકાર કહે છે કે અમે નોકરીદાતાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ થ્રી સી લીવ પર રહેલા વિદેશી નાગરિકો સાથે પક્ષપાત ન કરે પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘણા લોકોને તેમના અધિકારોથી વંચિત રખાય છે. થ્રી સી લીવ પર કેટલા વિદેશી નાગરિકો છે તેના આંકડા હોમ ઓફિસ દ્વારા પ્રસિદ્ધ કરાતાં નથી. હોમ ઓફિસ કહે છે કે લીવ ટુ રિમેઇન અરજકર્તાઓએ આઠ સપ્તાહમાં તેમના સ્ટેટસ અંગેના નિર્ણય મેળવી લેવાં જોઇએ.

ચેરિટી કહે છે કે થ્રી સી લીવ પર રહેલા લોકોને સંરક્ષણ આપવા માટેના સુધારાનો અમલ નહીં કરવાનો સરકાર પાસે કોઇ વ્યાજબી આધાર નથી. થ્રી સી લીવ પર રહેલા હજારો લોકોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. કેર સેક્ટરમાં કામ કરી રહેલા હજારો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

માઇગ્રેશન ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર 2016થી 2020 વચ્ચે યુકેમાં સ્થાયી થવા માટે 10 વર્ષના ફેમિલી રાઉટ પર ફક્ત 50 ટકા અરજકર્તાઓને જ સ્ટેટસ અપાયું હતું. તેમાં મોટી સંખ્યામાં ભારત, પાકિસ્તાન, નાઇજિરિયા, ઘાના અને બાંગ્લાદેશના નાગરિકોનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter