વિઝામાં કાપથી એનએચએસની સિસ્ટમ ધરાશાયી થઇ જશેઃ ચેતવણી

Tuesday 28th November 2023 10:46 EST
 
 

લંડનઃ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક માઇગ્રેશન પર નિયંત્રણ લાદવા નવી યોજના રજૂ કરવાની તૈયારીમાં છે ત્યારે હેલ્થ સેક્ટરના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે સરકાર એનએચએસમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા પર કાપ મૂકશે તો સમગ્ર હેલ્થકેર સિસ્ટમ ધરાશાયી થઇ જશે. અત્યારે એનએચએસમાં 19 ટકા કર્મચારી વિદેશથી આવેલા છે. એનએચએસમાં હજુ 1,12,000 નોકરી ખાલી પડી છે. સોશિયલ કેર સેક્ટરમાં 1,52,000 નોકરી ખાલી પડી છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના ડો. લતીફા પટેલે સરકારના આ પ્રયાસોને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ એનએચએસમાં કામ કરતા વિદેશી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. આ વિદેશી કર્મચારીઓની સ્કીલ અને અનુભવ વિના આપણી હેલ્થ સિસ્ટમ ધરાશાયી થઇ જશે.

તેમણે જણાવ્યું હતું કે, હેલ્થ અને સોશિયલ કેર વિઝા પર પક્ષપાતી મર્યાદા લાદવાથી કર્મચારીઓની અછત નિવારવામાં કોઇ મદદ મળવાની નથી. અમે સરકારને આ પ્રકારના ભયજનક પ્રસ્તાવોથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ. તેનાથી સોશિયલ કેર વર્કફોર્સમાં ઘટાડો જ થશે અને એનએચએસની સમસ્યા વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter