લંડનઃ યુકેમાં નિમણૂક પામેલા વિદેશી ડોક્ટરોએ તેમની ઈમિગ્રેશન અરજીઓની પ્રક્રિયામાં થઈ રહેલા લાંબા વિલંબને લીધે તેઓ કેવી રીતે અટવાઈ ગયા છે તેની માહિતી આપી હતી. આ વિલંબથી NHSની મહત્ત્વની સેંકડો પોસ્ટ પણ ભરી શકાતી નથી. હાલ આ સ્ટાફ નાઈજીરિયા, ભારત, પાકિસ્તાન, નેપાળ, કુવૈત અને અન્ય દેશોમાં છે અને તેમાંથી મોટાભાગના ‘વિન્યેટ્સ’ એટલે કે પાસપોર્ટ પર સ્ટેમ્પની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ સ્ટેમ્પથી તેમને લાંબા ગાળાની રેસિડેન્સ પરમીટ મળે તે પહેલા યુકે જવાની અને ત્યાં કામ કરવાની પરવાનગી મળશે.
સાઉદી અરેબિયામાં વિન્યેટની રાહ જોઈ રહેલા ડોક્ટરે જણાવ્યું હતું કે એકલા તેમના દેશમાં જ ૨૦૦ ડોક્ટરો યુકે વિઝાની કોઈક સમસ્યાને લીધે અટવાયેલા છે. મેડિકલ સ્ટાફ માટેના સપોર્ટ ગ્રૂપ એવરી ડોક્ટરના સ્થાપક જુલાય પેટરસને જણાવ્યું હતું કે ઘણાં દેશોના સેંકડો ડોક્ટરોને અસર થઈ છે. હાલની ઈમિગ્રેશન સિસ્ટમ સમક્ષ કોરોના મહામારી દરમિયાનની કટોકટીનો પડકાર હોવાથી NHS હોસ્પિટલોમાં કામ કરવામાં યુકે અને ઈયુની બહારના ૨૪,૦૦૦થી વધુ ડોક્ટરોને વિલંબ થઈ રહ્યો છે.
પોતાની ઓળખ ન આપવાની વિનંતી સાથે ભારતની એક જુનિયર મહિલા ડોક્ટરે જણાવ્યું હતું કે કોરોના નિયંત્રણોને લીધે તેમને ઈંગ્લેન્ડમાં એપ્રિલમાં જે જોબ લેવાની હતી તેના વિઝા માટે તે ૬ જુલાઈએ અરજી કરી શકે તેમ બન્યું. વારંવાર વિલંબ પછી યુકે વિઝા એન્ડ ઈમિગ્રેશન દ્વારા તેમને જણાવાયું હતું કે ૧૨મી ઓગસ્ટે નિર્ણય લેવાયો હતો. પરંતુ, તે હજુ તેમનો પાસપોર્ટ પાછો આવે તેની રાહ જુએ છે. તેમણે ઉમેર્યું કે તેમનું કામ ધીમું છે. હું હતાશ થઈ ગઈ છું.
માઈગ્રન્ટ ડોક્ટરો યુકે આવી શકે તે સુનિશ્ચિત કરવાનું ખૂબ મહત્ત્વનું હોવાની વાતને હોમ ઓફિસે સ્વીકારી હતી. પરંતુ, ઉમેર્યું હતું કે ‘અકલ્પનીય વૈશ્વિક પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ દરમિયાન વિઝા એપ્લિકેશન સેન્ટર્સને રિઓપનિંગ માટે ગણતરીપૂર્વકનો અભિગમ અપનાવવાની ફરજ પડી હતી. કેટલાંક સંજોગોમાં જે દેશોએ કડક નિયંત્રણો લાદ્યા હોય ત્યાં અમારે વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ રાખવા પડ્યા હોય તેવું બની શકે છે.