લંડનઃ વિદેશમાંથી આવેલા ઘણા ડોક્ટરો એનએચએસમાં જોડાયા બાદ બેચેન છે અને દર્દીઓની કાળજી લેવા માટે તૈયાર નથી કારણ કે તેમની યોગ્ય કાળજી લેવાતી નથી. એક રિસર્ચ અનુસાર ઘણા આંતરરાષ્ટ્રીય મેડિકલ ગ્રેજ્યુએટને એમ લાગે છે કે એનએચએસ તેમને યુકેમાં ડોક્ટર તરીકે જીવન જીવવા માટે તૈયાર કરવામાં મદદ કરતી નથી. તેઓ એક નવા દેશમાં આવ્યા છે અને અહીંના વ્યવહારો સમજવામાં તેમને મદદ કરાતી નથી .
એનએચએસમાં જોડાયેલા 58 ટકા વિદેશી ડોક્ટરોને એમ લાગે છે કે તેમને સંપુર્ણ રીતે કામગીરીમાં સામેલ કરાઇ રહ્યાં નથી. 48 ટકા યુકેમાં ક્લિનિકલ ડ્યુટી કરવાના પ્રારંભ અંગે ઘણા બેચેન છે. મેડિકલ પ્રોટેક્શન સોસાયટી દ્વારા ઇંગ્લેન્ડમાં કામ કરતા 737 ઇન્ટરનેશનલ ડોક્ટરો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના ડોક્ટરો વ્યાવસાયિક અને અંગત રીતે એનએચએસથી સંતુષ્ટ નથી.
સરવેના તારણો
- Ø 38 ટકા કહે છે કે અન્ય ડોક્ટરો સાથે સેટ થવા માટે ઘણો ઓછો સમય ઉપલબ્ધ કરાવવામાં આવે છે
- Ø 45 ટકાની ફરિયાદ છે કે અમને એનએચએસ અને અમારા વતનના દેશમાં કામકાજના તફાવત અંગે કોઇ તાલીમ આપવામાં આવી નથી
- Ø 48 કહે છે કે ક્લિનિકલ કામગીરી શરૂ કરતાં પહેલાં અમને પુરતી જાણકારી કે તાલીમ આપવામાં આવી નથી
- Ø 51 ટકાનો આરોપ છે કે યુકે આવ્યા પછી અમને વ્યવહારૂ મામલા જેવા કે રહેવા માટે મકાન, બેન્ક એકાઉન્ટ ખોલાવવું, જીપી સાથે નોંધણી કરાવવી અથવા કાઉન્સિલ ટેક્સની ચૂકવણી જેવા મામલાઓમાં કોઇ મદદ કરાતી નથી
- Ø 41 ટકાને એમ લાગે છે કે તેઓ અહીં એકલા પડી ગયાનું અનુભવે છે
- Ø 38 ટકાને એનએચએસમાં કામ કરવાના નિર્ણય પર પસ્તાવો થઇ રહ્યો છે

