વિદેશની ધરતી પરથી ભારતીય રાજનીતિમાં ચંચુપાત – જયશંકર

બીબીસી સહિત વિદેશી મીડિયાના ભારત વિરોધી એજન્ડા પર ભારતીય વિદેશમંત્રીના આકરા પ્રહાર, રાજનીતિમાં ઝંપલાવવાનું સાહસ ન હોય તેવા લોકો વિદેશી મીડિયાનો સહારો લઇ રહ્યાં છે , 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી દિલ્હીમાં નહીં પરંતુ લંડન અને ન્યૂયોર્કમાં શરૂ થઇ ગઇ છે - જયશંકર

Tuesday 21st February 2023 14:12 EST
 
 

લંડન

તાજેતરમાં બીબીસી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રસારિત કરાયેલી વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મનો ઉલ્લેખ કરતાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, રાજનીતિમાં ઝંપલાવવાનું સાહસ ન હોય તેવા લોકો મીડિયાનો સહારો લઇને રાજનીતિ કરી રહ્યાં છે. આ એક અલગ પ્રકારની રાજનીતિ છે. કેટલીકવાર ભારતમાં રાજનીતિ તેના ઘરઆંગણે ઉદ્દભવતી નથી પરંતુ વિદેશી ધરતી પરથી સંચાલિત કરવામાં આવે છે.

એસ. જયશંકરે જણાવ્યું હતું કે, આપણે ફક્ત એક દસ્તાવેજી ફિલ્મ અથવા તો યુરોપના કોઇ એક શહેરમાં કોઇ વ્યક્તિએ આપેલા ભાષણ કે અખબારોમાં લખાયેલા તંત્રીલેખની વાત કરતાં નથી. આપણે એક એવા રાજકારણની ચર્ચા કરી રહ્યાં છીએ છે મીડિયા દ્વારા સંચાલિત થઇ રહ્યું છે. કહેવત છે કે અન્ય રીતે લડાતું યુદ્ધ. આ અન્ય રીતે કરાતી રાજનીતિ છે. તમે કુહાડાના ઘા કરો છો અને સામે પક્ષે એમ પણ કહો છો કે અમે 20 વર્ષ પછી સત્યની શોધ કરી રહ્યાં છીએ અને અત્યારે સત્યને સામે લાવી રહ્યાં છીએ.

ભારતમાં 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયે જ પ્રસારિત કરાયેલી બીબીસીની દસ્તાવેજી ફિલ્મ પર જયશંકરે સવાલ ઉઠાવ્યા હતા. મને લાગે છે કે તમે એમ માનતા હશો કે આ એક અકસ્માત હશે. હું તમને કહેવા માગુ છું કે મને નથી ખબર કે ભારતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે કે કેમ. દિલ્હીમાં તો નથી જ થઇ પરંતુ લંડન અને ન્યૂયોર્કમાં ભારતની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

જાન્યુઆરીમાં બીબીસી દ્વારા ઇન્ડિયા-ધ મોદી ક્વેશ્ચન ડોક્યુમેન્ટરી પ્રસારિત કરાઇ હતી જેમાં વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોનું વર્ણન કરાયું હતું. ભારતની સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને આ કેસમાં ક્લીનચિટ આપી હોવા છતાં તેમની ભુમિકા પર સવાલો ઉઠાવીને વિવાદ ઊભો કરાયો હતો.

જયશંકરે સવાલ કર્યો હતો કે શું તમને કોઇ શંકા છે... તમે જોઇ શકો છો કે બીબીસીની ડોક્યુમેન્ટરીને વધાવી લેનારા કોણ છે. ધીમે ધીમે કરીને ભારત, તેની સરકાર, ભાજપ અને વડાપ્રધાન કટ્ટરવાદી હોવાની છબિ તૈયાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી પ્રત્યે પશ્ચિમના દેશોનુ મીડિયા પક્ષપાત કરી રહ્યું છે કે કેમ તેવા સવાલના જવાબમાં જયશંકરે જણાવ્યું હતું કે, આવું તો છેલ્લા એક દાયકાથી ચાલી રહ્યું છે. વિદેશોમાં આ પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ કરવા પાછળ ભારત વિરોધી એજન્ડા આગળ ધપાવવાનો છે. લોકો રાજનીતિને વિદેશમાં લઇ જઇ રહ્યાં છે. આ પ્રકારના ભારત વિરોધી એજન્ડાથી ગેરમાર્ગે દોરાશો નહીં. હું આ પ્રકારના એજન્ડા ચલાવનારાને ભારતની સક્રિય રાજનીતિમાં આવવાનો પડકાર આપું છું. આ પ્રકારના લોકો એનજીઓ અને અન્ય મીડિયા સંસ્થાનોની આડમાં રાજનીતિ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter