વિદેશની ધરતી પરથી વિદેશી મદદ માગીને રાહુલે દેશનું અપમાન કર્યું છે – ભાજપ

રાહુલ ગાંધીએ ભારતની લોકશાહી, રાજનીતિ, સંસદ, રાજકીય અને ન્યાયિક વ્યવસ્થાને શરમજનક સ્થિતિમાં મૂક્યાં છે – રવિશંકર પ્રસાદ

Tuesday 07th March 2023 13:16 EST
 
 

લંડન 

રાહુલ ગાંધીની ટિપ્પણીઓ પર પ્રહાર કરતાં ભાજપે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પર વિદેશી હસ્તક્ષેપની માગ કરીને ભારતનું અપમાન કર્યું છે. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, અમારે ભારે ખેદ સાથે કહેવું પડે છે કે રાહુલ ગાંધીએ ભારતની લોકશાહી, રાજનીતિ, સંસદ, રાજકીય અને ન્યાયિક વ્યવસ્થાને શરમજનક સ્થિતિમાં મૂક્યાં છે. કોંગ્રેસના નેતા જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે.

 રાહુલ ગાંધીએ લંડનમાં સવાલ કર્યો હતો કે ભારતમાં લોકશાહીના મોટા હિસ્સાનું ધોવાણ થઇ રહ્યું છે ત્યારે લોકશાહીના હિમાયતી એવા યુરોપ અને અમેરિકા આંખ આડા કાન કેમ કરી રહ્યાં છે.

ભાજપે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ટિપ્પણીઓ પર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પુરોગામી સોનિયા ગાંધીએ જવાબ આપવો જોઇએ. પ્રસાદે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી એમ ઇચ્છે છે કે લોકશાહી બચાવવા માટે યુરોપ અને અમેરિકાએ હસ્તક્ષેપ કરવો જોઇએ. ભારતમાં કોઇપણ પક્ષની સરકાર હોય પરંતુ અમે અમારા આંતરિક મામલાઓમાં કોઇ બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ કરીએ છીએ. કોઇ વિદેશે ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. શું કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એમ માને છે કે ભારતમાં લોકશાહીની પુનઃસ્થાપના માટે અમેરિકા અને યુરોપે હસ્તક્ષેપ કરવો જોઇએ. કોંગ્રેસે તેનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, દેશ જ્યારે હોળીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર છે. ભારતમાં ગમે તે તહેવાર ઉજવાતો હોય ત્યારે તેઓ વિદેશમાં જ જોવા મળે છે. રાહુલ ગાંધી દેશ પર હુમલા કરતા જરાપણ ખચકાતા નથી. તેઓ દેશની બદનામી કરી રહ્યાં છે. આજે વિશ્વ આપણી સિદ્ધીઓને સ્વીકારી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી ગેરસમજ ફેલાવી રહ્યાં છે.

કોંગ્રેસના નેતા આંતરરાષ્ટ્રીય મંચ પર રોદણા રડી રહ્યા છે – ભાજપ

રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર રોદણા રડી રહ્યાં છે. તેઓ આમ કરવાના પરિણામ સારી રીતે જાણે છે. પેગાસસનો મામલો તેમના દિમાગ અને દિલમાં ઘર કરી ગયો છે. આજે જે રીતે વિશ્વ વડાપ્રધાન મોદીને સન્માન આપે છે અને તેમના નેતૃત્વમાં ભારતે જે સિદ્ધીઓ હાંસલ કરી છે તે માટે રાહુલ ગાંધીએ ઓછામાં ઓછુ ઇટાલીના વડાંપ્રધાને આપેલા નિવેદનને સાંભળવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter