લંડનઃ આગામી સપ્તાહથી પાસપોર્ટ નિયમોમાં આવી રહેલા બદલાવને પગલે વિદેશમાં જન્મેલા બ્રિટિશ બાળકોને યુકેમાં પ્રવેશ આપવાનો ઇનકાર થઇ શકે છે. 25 ફેબ્રુઆરીથી બ્રિટિશ ડ્યુઅલ સિટિઝન્સે યુકેનો પ્રવાસ ખેડતી વખતે તેમનો બ્રિટિશ પાસપોર્ટ રજૂ કરવો પડશે અથવા તો 589 પાઉન્ડ ખર્ચીને એન્ટાઇટલમેન્ટ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું પડશે.
આ પગલાથી જેમના બાળકો પાસે બ્રિટિશ પાસપોર્ટ નથી તેવા વિદેશી પરિવારોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. બ્રિટિશ માતા-પિતાના વિદેશમાં જન્મેલા સંતાન આપોઆપ બેવડી નાગરિકતાના હકદાર બને છે. તેઓ 18 વર્ષના ન થાય ત્યાં સુધી બ્રિટિશ નાગરિકતા નકારી શક્તાં નથી. તેનો અર્થ એ થયો કે ક્યાં તો તેમણે બ્રિટિશ પાસપોર્ટ હાંસલ કરવો પડે અથવા તો 589 પાઉન્ડ ખર્ચીને એન્ટાઇટલમેન્ટ સર્ટિ હાંસલ કરવું પડે.
અન્ય વિદેશી નાગરિકોની જેમ તેઓ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન માટે અરજી કરીને યુકેનો પ્રવાસ કરી શકતા નથી. ઘણા પરિવારો આગામી સપ્તાહોમાં યુકેનો પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યાં છે પરંતુ તેમની સામે યુકેમાં પ્રવેશ આપવામાં ન આવે તેવો પડકાર ઊભો છે.
હોમ ઓફિસે જણાવ્યું છે કે બ્રિટિશ પાસપોર્ટ પર યુકેનો પ્રવાસ કરી રહેલા માતાપિતા સાથે હોય તો પણ બાળકોને આ નિયમો લાગુ પડશે. બેવડા બ્રિટિશ સિટિઝન કે જેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ નથી તેમને યુકેની ફ્લાઇટમાં બોર્ડિંગ કરવા દેવાશે નહીં અથવા તો તેમને ઇમિગ્રેશન બોર્ડર પર અટકાવવામાં આવશે.


