લંડનઃ એકતરફ એનએચએસ ડેન્ટલ કેરમાં સારવાર લેવા માટે લાખો દર્દીઓ તરસી રહ્યાં છે ત્યારે બીજીતરફ વિદેશમાં તાલીમ લઇને આવેલા ડેન્ટિસ્ટ મેકડોનાલ્ડ અને અન્ય ટેક અવેમાં રોજી રોટી કમાવા મજબૂર બની રહ્યાં છે.
સાંસદોને અપાયેલા એક રિપોર્ટમાં માગ કરી છે કે વિદેશમાં તાલીમ લઇને આવેલા ડેન્ટિસ્ટને અટકાવતી બ્યુરોક્રેસીનો અંત લાવે જેથી એનએચએસમાં ડેન્ટિસ્ટની પ્રવર્તી રહેલી તીવ્ર અછત પૂરી કરી શકાય. સૌથી મોટો અવરોધ એ છે કે યુકેમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરવા માટે જરૂરી પરીક્ષા આપવામાં સ્થાન મેળવવામાં તેમને સંઘર્ષ કરવો પડે છે. આ પ્રક્રિયા ટેલર સ્વિફ્ટને જોવા માટેની ટિકિટ મેળવવા જેટલી અઘરી બની રહે છે.
તેના પરિણામે ભારત, ઇજિપ્ત અને આલ્બેનિયા જેવા દેશોમાંથી સંપુર્ણ તાલીમબદ્ધ અને લાયકાત ધરાવતા ડેન્ટિસ્ટને મહિનાઓ અને વર્ષો સુધી ફાસ્ટ ફૂડ કાફેમાં કામ કરવું પડે છે તેવો આરોપ એસોસિએશન ઓફ ડેન્ટલ ગ્રુપ દ્વારા મૂકાયો છે. ગ્રુપે બે ભાગમાં લેવાતી ઓવરસીઝ રજિસ્ટ્રેશન એક્ઝામમાં તાકિદે ધરમૂળથી બદલાવ કરવાની માગ કરી છે. વિદેશમાં તાલીમ લઇને આવેલા ડેન્ટિસ્ટે જનરલ ડેન્ટલ કાઉન્સિલ રજિસ્ટ્રેશનમાં નોંધણી માટે આ પરીક્ષાઓ પસાર કરવી પડે છે.
ગ્રુપના અધ્યક્ષ નીલ કારમાઇકલે જણાવ્યું હતું કે, તાલીમબદ્ધ ડેન્ટિસ્ટોને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટોમાં કામ કરવું પડે તે અત્યંત શરમજનક બાબત છે.
મોંઘવારી અને ઓછા વેતનના કારણે વિદેશી ડોક્ટરો બ્રિટનને પસંદ કરી રહ્યાં નથી
મોંઘવારી અને ઓછા વેતનના કારણે વિદેશી ડોક્ટરો હવે યુકે આવવાનું ટાળી રહ્યાં છે. જનરલ મેડિકલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર વધુ આવક અને સારા જીવન માટે વિદેશી ડોક્ટરો હવે યુકેને બદલે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાને પ્રાધાન્ય આપી રહ્યાં છે. 84 ટકા વિદેશી ડોક્ટરોનું માનવું છે કે સારા વેતનના મામલામાં બ્રિટન કરતાં અન્ય દેશો ઘણા સારા છે.
નર્સિંગ કાઉન્સિલ પર ઓછી લાયકાત ધરાવતી વિદેશી નર્સોને મંજૂરી આપવાના આરોપ
નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ પર કૌભાંડોના આરોપ મૂકાઇ રહ્યાં છે. કાઉન્સિલે યુકેમાં કામ કરવા માટે 350 કરતાં વધુ બનાવટી અથવા તો ઓછી લાયકાત ધરાવતી વિદેશી નર્સોને ખોટી રીતે મંજૂરી આપી હોવાનો આરોપ એક અખબારી અહેવાલમાં મૂકાયો છે. કાઉન્સિલ યુકેમાં કામ કરતી 8 લાખ કરતાં વધુ નર્સોનું નિયંત્રણ કરે છે. તેના પર દર્દીઓની સુરક્ષા સામે ગંભીર જોખમ બની શકે તેવી નર્સોને શોધવા અને તેમની તપાસમાં નિષ્ફળતાના પણ આરોપ મૂકાયા છે.