વિદેશમાં તાલીમબદ્ધ ડોક્ટર્સને NHS દ્વારા કાનૂની સહાય નહિ

Wednesday 18th May 2022 07:09 EDT
 

લંડનઃ NHSના વિદેશમાં તાલીમ મેળવનારા ડોક્ટર્સ સામે શિસ્તભંગની કાર્યવાહી કરાતી હોય ત્યારે વકીલની સહાય નહિ મળવાથી તેમને સસ્પેન્ડ કરાય અથવા મેડિકલ રજિસ્ટરમાંથી છેકી કઢાય તેવી શક્યતા વધુ રહે છે. વિદેશમાં તાલીમબદ્ધ આશરે 40 ટકા ડોક્ટર્સ કાનૂની પ્રતિનિધિત્વ ધરાવતા નથી જેનાથી વિપરીત યુકેમાંથી ક્વોલિફાઈડ 25 ટકા ડોક્ટર્સ કાનૂની પ્રતિનિધિત્વ ધરાવતા નથી. અંગત વર્તણૂકની ફરિયાદો મુદ્દે વિદેશમાં તાલીમબદ્ધ ડોક્ટર્સને NHS દ્વારા આવરી લેવાયા ન હોવાની તેમને જાણ પણ હોતી નથી.

વિદેશમાં જન્મેલા ડોક્ટર્સ સામે ખોટા કામની ફરિયાદો થતી હોય ત્યારે તેમની સાથેના વ્યવહારમાં જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) ‘સિસ્ટમિક રેસિયલ બાયસ’ દર્શાવે છે કે કેમ તે મુદ્દે નવા સવાલો પણ ઉભાં થયા છે. NHS માં કામ કરતા ઓવરસીઝ ડોક્ટર્સ સામે શિસ્તભંગની કાર્યવાહી ચલાવાતી હોય ત્યારે તેમનું પ્રતિનિધિત્વ કરવા કોઈ વકીલ હાજર ન હોવાથી તેમને સસ્પેન્ડ કરવાની અથવા GMCના રજિસ્ટરમાંથી નામ ચેકી નખાવાની શક્યતા વધી જાય છે તેમ નવા આંકડા સ્પષ્ટ કરે છે. વિદેશમાં ગ્રેજ્યુએટ થયેલા ડોક્ટર્સ ટ્રિબ્યુનલ હીઅરિંગમાં કાનૂની પ્રતિનિધિત્વ ન ધરાવતા હોય ત્યારે પાંચમાંથી ચારથી વધુ (83 ટકા) ડોક્ટર્સ કામ પરથી સસ્પેન્ડ કરાય છે અથવા યુકે મેડિકલ રજિસ્ટરમાંથી નામ કાઢી નખાય છે. જેઓ પ્રતિનિધત્વ ધરાવે છે તેમના 55 ટકાના સસ્પેન્શન અથવા નામ કાઢી નખાવાની સરખામણીએ આ આંકડા ગણનાપાત્ર રીતે ઊંચા છે.

આ સુનાવણીની જવાબદારી GMCની શિસ્તભંગ શાખા મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MPTS) હસ્તક છે. MPTS પેનલે કાનૂની પ્રતિનિધત્વ વિનાના 8 ટકા ડોક્ટર્સને તેમની મેડિકલ પ્રેક્ટિસમાં કોઈ અવરોધ નહિ આવે તેવો નિર્ણય લીધો હતો જ્યારે જેમના વકીલ હાજર હતા તેવા 27 ટકાને મેડિકલ પ્રેક્ટિસમાં કોઈ અવરોધ નડ્યો ન હતો અને ઘણાને તો માત્ર વોર્નિંગ જ અપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter