લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઉચ્ચ સિદ્ધીઓ હાંસલ કરનાર શિક્ષણશાસ્ત્રી અને ઇતિહાસકાર મણિકર્ણિકા દત્તા પર યુકેમાંથી દેશનિકાલની તલવાર તોળાઇ રહી છે. તેમના પર ભારતમાં સંગ્રહિત ઐતિહાસિક ભારતીય દસ્તાવેજો મેળવવા અને જરૂરી સંશોધનો માટે મર્યાદા કરતાં વધુ સમય ભારતમાં વિતાવવાનો આરોપ મૂકાયો છે.
37 વર્ષીય દત્તાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી માટેની તેમની પ્રતિબદ્ધતા માટે ભારતીય શહેરોમાં હિસ્ટોરિકલ આર્કાઇવ્ઝનો અભ્યાસ કરવા અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી રહ્યાં હતાં.
હોમ ઓફિસના નિયમો અનુસાર યુકેમાં 10 વર્ષ કરતાં વધુ અનિશ્ચિત સમય માટે વસવાટની પરવાનગી મેળવનાર વિદેશી નાગરિક તે 10 વર્ષના સમયગાળામાં મહત્તમ 548 દિવસ વિદેશમાં ગુજારી શકે છે. મણિકર્ણિકા દત્તાએ તેનાથી વધુ 691 દિવસ યુકેથી બહાર રહ્યાં છે. આ પહેલાં પણ કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
હવે હોમ ઓફિસ દ્વારા દત્તાના યુકેમાં વસવાટના અધિકારને નકારી કાઢવામાં આવ્યો છે. હોમ ઓફિસે જણાવ્યું છે કે તેઓ 10 કરતાં વધુ વર્ષનું લગ્નજીવન ધરાવે છે અને પતિ સાથે સાઉથ લંડનમાં રહેતાં હોવા છતાં બ્રિટનમાં તેમની કોઇ ફેમિલી લાઇફ નથી.
દત્તા હાલ યુનિવર્સિટી કોલેજ ડબ્લિનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ ઓફ્સફર્ડ અને બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સંશોધન કાર્યો સાથે સંકળાયેલા હતા. તેઓ તેમના પતિ ડો. સોવિક નહા સાથે વેલિંગમાં વસવાટ કરે છે. તેમના પતિ પણ ગ્લાસગો યુનિવર્સિટીમાં સીનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવે છે.