વિદેશમાં સમર હોલિડે બુકિંગ સામે સ્કોટિશ સિવિલ સર્વન્ટ્સને ચેતવણી

Tuesday 26th January 2021 14:07 EST
 
 

લંડનઃ આ વર્ષે સમર હોલિડે માણવા માટે વિદેશ જવા બુકિંગ ન કરાવવા સિવિલ સર્વન્ટ્સને ચેતવણી અપાઈ હતી. સ્કોટલેન્ડના ટોચના ક્લિનિકલ એડવાઈઝર જેસન લેઈચે જણાવ્યું કે અધિકારીઓને ૨૦૨૨ સુધી વિદેશની નોન- રિફન્ડેબલ સમર ટ્રીપ બુક ન કરાવવા તેમની સલાહ છે.
સ્કોટિશ સરકારના ઈન્ટ્રાનેટ પર જારી થયેલા અને ધ સ્કોટ્સમેનને લીક થયેલા વીડિયોમાં લેઈચે જણાવ્યું હતું કે સ્કોટલેન્ડ લોકડાઉનમાંથી ખૂબ ધીમે ધીમે બહાર આવશે. તમારી જગ્યાએ હું હોઉં તો હું નોન-રિફન્ડેબલ સમર હોલિડે બુક કરાવું નહીં. હું કદાચ ઓટમ અથવા ક્રિસમસમાં હોલિડે બુક કરાવું. પરંતુ, હેરફેરની દ્રષ્ટિએ દુનિયામાં તે સમયે કેવું હશે તે અંગે પણ હું નિશ્ચિત નથી. કોરોનાના સંક્રમણને અટકાવવા જરૂરી શોપીંગ સિવાય ઘરની બહાર ન નીકળવાના જે નિયંત્રણ સ્કોટલેન્ડ અને યુકેમાં અમલી છે તે હજુ થોડા લાંબા સમય સુધી અમલમાં રહેશે.
૨૦૧૫માં લેઈચની નિમણૂક સ્કોટિશ સરકારના નેશનલ ક્લિનિકલ ડિરેક્ટર ઓફ હેલ્થકેર એન્ડ સ્ટ્રેટેજી તરીકે કરાઈ હતી. તેઓ કોરોના મહામારી સામેની કામગીરીના આયોજનમાં સંકળાયેલા છે. લેઈચે જણાવ્યું કે દરરોજના ૧,૫૦૦ કેસનો જે આંક છે તેને હજુ નીચે લાવવાની જરૂર છે. મહામારી વિશે સિવિલ સર્વન્ટ્સના પ્રશ્રોના જવાબમાં તેમણે ઉમેર્યું કે કોવિડ પછીની દુનિયા કેવી લાગે છે તે સ્કોટલેન્ડે સમજવું પડશે.
ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને અગાઉ ચેતવણી આપી હતી કે સમગ્ર સ્કોટલેન્ડમાં અને કેટલીક આઈલેન્ડ કોમ્યુનિટીઝમાં લોકડાઉન ઓછામાં ઓછું ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી અમલી રહેશે. તે દિવસે જ આ વીડિયો જારી કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter