વિદેશમાંથી કેર વર્કર્સની નિયુક્તિ માટેના નવા નિયમો જાહેર કરાયાં

કેર પ્રોવાઇડર્સે સૌથી પહેલાં ઇંગ્લેન્ડમાં જ હોય તેવા વિદેશી કેર વર્કર્સની નિયુક્તિનો ફરજિયાત પ્રયાસ કરવો પડશે, એપ્રિલથી સ્કીલ્ડ વર્કર વિઝા માટે લઘુતમ આવક મર્યાદા 23,200 પાઉન્ડ પ્રતિ વર્ષથી વધારીને 25,000 પાઉન્ડ કરાઇ

Tuesday 18th March 2025 12:43 EDT
 
 

લંડનઃ વિદેશમાંથી કેર વર્કર્સની નિયુક્તિ માટેના નવા નિયમો પાર્લામેન્ટમાં જાહેર કરાયાં છે. 9 એપ્રિલથી વિદેશમાંથી નવા કેર વર્કર નિયુક્ત કરવા ઇચ્છતા કેર પ્રોવાઇડરે સૌથી પહેલાં તો એ સાબિત કરવું પડશે કે તેણે ઇંગ્લેન્ડમાંથી નવી સ્પોન્સરશિપની જરૂર હોય તેવા કેર વર્કર નિયુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. આ નિયમના કારણે એડલ્ટ સોશિયલ કેરમાં કારકિર્દી બનાવવા માટે યુકે આવેલા લોકોને મદદ મળશે અને વિદેશમાંથી થતી નિયુક્તિઓ પરનો આધાર ઘટાડી શકાશે.

ઇમિગ્રેશન સિસ્ટમમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા અને સ્પોન્સર દ્વારા લાયસન્સ રદ કરાય તેવી સ્થિતિમાં ઇંગ્લેન્ડમાં રહેલા કેર વર્કરને વૈકલ્પિક જોબ માટે સપોર્ટ આપવા કેર સેક્ટરના સહયોગમાં સરકાર મહત્વની કામગીરી કરી રહી છે. સરકારે જણાવ્યું છે કે નિયમોમાં બદલાવની યોજના અંતર્ગત અમે ભાંગી પડેલી ઇમિગ્રેશન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. સ્કીલ અને વિઝા સિસ્ટમને ઇમિગ્રેશન સાથે સાંકળીને આપણે ડોમેસ્ટિક સ્કીલમાં વધારો કરી શકીશું. નવા નિયમોના કારણે વિદેશી વર્કર્સ પરનો આધાર ઘટશે અને અર્થતંત્રને વેગ મળશે.

માઇગ્રેશન એન્ડ સિટિઝનશિપ મિનિસ્ટર સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે જે લોકો એડલ્ટ કેર સેક્ટરમાં કામ કરવા યુકે આવ્યાં છે તેમને શોષણમાંથી મુક્તિની તક મળવી જોઇએ. એમ્પ્લોયર્સ નિયમોનું ઉલ્લંઘન ન કરે તે અમે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ. હવે અમે યુકેમાં જેમને નવી સ્પોન્સરશિપની જરૂર છે તેવા પહેલેથી કેર વર્કર તરીકે કામ કરી રહેલા વિદેશીઓને નિયુક્તિમાં પ્રાથમિકતા આપવાનું ફરજિયાત કરી રહ્યાં છે જેથી હવે વિદેશમાંથી વધુ કેર વર્કર્સને અહીં લાવવા ન પડે.

એપ્રિલથી સ્કીલ્ડ વર્કર વિઝા માટેની લઘુતમ આવક મર્યાદા 23,200 પાઉન્ડ પ્રતિ વર્ષથી વધારીને 25,000 પાઉન્ડ કરવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે સ્કીલ્ડ વર્કર વિઝા માટેની આવક પ્રતિ કલાક 12.82 પાઉન્ડ લઘુતમ રહેશે. શોર્ટ ટર્મ સ્ટુડન્ટ રૂટમાં કરાયેલા બદલાવ અનુસાર યોગ્ય ન લાગે તેવી શંકાસ્પદ વિઝા અરજીઓ નકારી કાઢવાના કેસ વર્કર્સની સત્તાનું વિસ્તરણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter