લંડનઃ વડાપ્રધાન કેર સ્ટાર્મરે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ સામે કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જો કોઇ વિદેશી ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવશે તો તેની અટકાયત કરી મૂળ દેશમાં પરત મોકલી દેવાશે. જો તમે બ્રિટનમાં આવીને કોઇ અપરાધ કરશો તો પહેલાં દેશનિકાલ કરાશે અને પછી કેસની સુનાવણી થશે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, વિદેશી અપરાધીઓ લાંબા સમયથી બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમનો લાભ ઉઠાવી રહ્યાં છે. કોર્ટમાં કાર્યવાહી ચાલુ રહેતાં અપીલો કરીને મહિનાઓ કે વર્ષો સુધી બ્રિટનમાં રહેતા હોય છે. હવે આ બધાનો અંત આવી રહ્યો છે. જો વિદેશી નાગરિક બ્રિટનમાં કાયદાનું ઉલ્લંઘન કરશે તો પહેલા તેને દેશનિકાલ કરાશે અને પછી તેના કેસની સુનાવણી થશે.
ભારત અને અન્ય 14 દેશના દોષી ઠરેલા વિદેશી અપરાધીઓને તેમની માનવ અધિકાર અપીલની સુનાવણી કરાય તે પહેલાં જ દેશનિકાલ કરાશે. સરકારે ડિપોર્ટ નાઉ, અપીલ લેટર સ્કીમનું વિસ્તરણ કરતાં તેમાં ભારતનો પણ સમાવેશ કર્યો છે. અત્યાર સુધી આ નિયમો 8 દેશના અપરાધીઓ માટે અમલમાં હતાં પરંતુ સરકારે હવે તેમાં ભારત સહિતના અન્ય 15 દેશો પણ સામેલ કરી દીધાં છે. આ દેશોમાં બલ્ગેરિયા, ઓસ્ટ્રેલિયા, અંગોલા, બોત્સવાના, બ્રુનેઇ, કેનેડા, ગુયાના, ઇન્ડોનેશિયા, કેન્યા, લેટવિયા, લેબેનોન, મલેશિયા, યુગાન્ડા અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે.
વિદેશી અપરાધી બ્રિટિશ ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યાં છેઃ હોમ સેક્રેટરી
હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું હતું કે, માનવ અધિકાર અપીલોની સુનાવણીના બહાને વિદેશી અપરાધીઓ ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યાં છે. સુનાવણીમાં વિલંબ થતાં તેઓ મહિનાઓ અને વર્ષો સુધી યુકેમાં જ રહે છે. હોમ સેક્રેટરીએ હવે આ સ્કીમનું વિસ્તરણ કર્યું છે જે સરકારને જેમના દેશનિકાલના નિર્ણય સામેના માનવ અધિકારના દાવા નકારી કઢાયા હોય તેમને તાત્કાલિક દેશનિકાલ કરવાની પરવાનગી આપશે. તેમની કોઇપણ અપીલની સુનાવણી વિદેશમાંથી વીડિયો લિન્ક દ્વારા કરાશે.
કાયદાનો ભંગ કરશો તો અમે તમને દેશમાંથી હાંકી કાઢીશુઃ જસ્ટિસ સેક્રેટરીની ચીમકી
જસ્ટિસ સેક્રેટરી શબાના માહમૂદે કાયદામાં બદલાવનો પ્રસ્તાવ મૂકતાં જણાવ્યું છે કે વિદેશી અપરાધીને સજાની જાહેરાત થતાંની સાથે જ દેશનિકાલ કરાશે. માહમૂદના દાવા અનુસાર આ રીતે કરદાતાઓના પ્રતિ વર્ષ 54000 પાઉન્ડની બચત કરી શકાશે. આ બદલાવ ચોક્કસ મુદત માટેની જેલની સજા મેળવનાર અપરાધીઓ પર લાગુ થશે. જોકે અપરાધી યુકેના હિતો અને નેશનલ સિક્યુરિટી માટે જોખમી ભાવિ અપરાધોનું આયોજન કરી રહ્યો હોવાનું જણાશે તો તેને દેશનિકાલ નહીં કરીને કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લેવાનો અધિકાર સત્તાવાળાઓને અપાશે. માહમૂદે જણાવ્યું હતું કે, અમારો મેસેજ સ્પષ્ટ છે. જો તમે અમારા કાયદાનો ભંગ કરશો તો અમે તમને દેશમાંથી હાંકી કાઢીશું. અમારી સરકારના કાર્યકાળમાં દેશનિકાલ કરાયેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. નવા કાયદા સાથે અમે વધુ સાફસૂફી કરી શકીશું. જુલાઇ 2024થી અત્યાર સુધીમાં 5200 વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરાયાં છે. જે અગાઉના વર્ષ કરતાં 12 ટકાનો વધારો દર્શાવે છે.