લંડનઃ યુકેમાં વિદેશી કુશળ કામદારોને નોકરી આપવાનું મોંઘું બનવા જઇ રહ્યું છે. સરકાર દ્વારા ઇમિગ્રેશન નિયમોમાં કરાયેલા સુધારાનો અમલ શરૂ થાય તે પહેલાં કંપનીઓ કુશળ વિદેશી કામદારો માટે વિઝા મેળવી લેવા દોડાદોડ કરી રહી છે. ઇમિગ્રેશન વકીલોના જણાવ્યા અનુસાર તેમના કેટલાક ક્લાયન્ટ જોબ ઓફર્સ પાછી પણ ખેંચી રહ્યાં છે કારણ કે એપ્રિલ મહિનાથી કુશળ વિદેશી કામદારોને ઊંચા પગાર ચૂકવવા પડશે.
અન્ય કંપનીઓએ તેમના હાયરિંગ પ્લાનમાં સુધારા કર્યાં છે અને હાલમાં કામ કરી રહેલા વિદેશી કામદારોના વિઝા સમય પહેલાં જ રિન્યૂ કરાવી લીધાં છે. બીજીતરફ હોમ ઓફિસ વિઝા ફ્રોડને અટકાવવા માટે કંપનીઓની ચકાસણી વધારી રહી છે.
વકીલોનો આરોપ છે કે આગામી ચૂંટણી પહેલાં ઇમિગ્રેશન ઘટાડીને 3 લાખ પ્રતિ વર્ષ કરવા માટે સરકાર દ્વારા થઇ રહેલા સુધારાના કારણે અરજીઓનો ભરાવો થઇ રહ્યો છે. ફાસ્ટ ટ્રેક પ્રોસેસિંગ માટે ઉપલબ્ધ થોડા સ્લોટ માટે મારામારી ચાલી રહી છે.
જોકે હોમ ઓફિસ વિલંબ થઇ રહ્યો હોવાનો ઇનકાર કરી રહી છે. સ્પોન્સરશિપના સર્ટિફિકેટ માટેની તમામ અરજીઓનો નિકાલ નિર્ધારિત સમયમર્યાદામાં જ થઇ રહ્યો છે.

