વિદેશી કામદારોને આવકારતા અગ્રણી દેશોમાં યુકે પણ હવે સામેલ

બ્રિટનમાં વિદેશી કામદારોના માઇગ્રેશનમાં મોટો વધારો નોંધાયો

Tuesday 28th February 2023 11:30 EST
 
 

લંડન

યુકે વિશ્વમાં વિદેશી કામદારોને આવકારતા અગ્રણી દેશો પૈકીનો એક દેશ બની ગયો છે. બ્રિટનમાં વિદેશી કામદારોના માઇગ્રેશનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. નોર્વે, કેનેડા, ફ્રાન્સ, સ્પેન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં જનતા સ્થાનિકોને નોકરીમાં પ્રથમ પ્રાથમિકતા આપવાની તરફેણ કરી રહી છે ત્યારે યુકેની જનતા આવું કશું વિચારતી નથી કે બેરોજગારીના કારણે નોકરીદાતાઓએ સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવી જોઇએ.

એક અભ્યાસ પ્રમાણે યુકેની ફક્ત 29 ટકા જનતા જ એવું માને છે કે નોકરીમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા અપાવી જોઇએ. 2009માં આવું વિચારતા લોકોની સંખ્યા 65 ટકા હતી. યુકેમાં 10 લાખથી વધુ નોકરીઓ ખાલી હોવાથી કંપનીઓ વધુ વિદેશી કામદારોને આવકારવાની અપીલ કરી રહી છે.

પ્રોફેસર બોબી ડફી જણાવે છે કે એક દાયકા પહેલાં કોઇ એવું વિચારી પણ શક્તું નહોતું કે, ઇમિગ્રેશન પર હકારાત્મક વલણ ધરાવતા દેશોની લીગમાં યુકે સામેલ થઇ જશે. યુકેમાં વિદેશી કામદારોના ઇમિગ્રેશન પર આકરા નિયંત્રણો લદાવાની પણ કોઇ સંભાવના દેખાતી નથી.

વિદેશી કામદારો દેશના વિકાસમાં સારું યોગદાન આપે છે તેવુ માનતા 24 દેશોની યાદીમાં યુકે ચોથા સ્થાને છે. કોરોના મહામારી બાદ યુકેમાં 11 લાખ નોકરીઓ ખાલી હોવાનો અંદાજ છે. સરકાર પણ સીઝનલ વર્કર્સ અને કેર સ્ટાફ માટે વિઝા પ્રોગ્રામમાં વધુ છૂટછાટ આપી રહી છે.

યુકેમાં રાજ્યાશ્રય માટે આવતા ઇમિગ્રન્ટ્સ સામે વધી રહેલો વિરોધ

એકતરફ યુકેમાં વિદેશી કામદારોને આવકારવામાં આવી રહ્યાં છે તો બીજીતરફ રાજ્યાશ્રય માટે યુકેમાં આવી રહેલા વિદેશી નાગરિકોનો વિરોધ વધી રહ્યો છે. તાજેતરમાં ડન્સ્ટેબલ ખાતે રાજ્યાશ્રય માટે આવી રહેલા વિદેશી નાગરિકોના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરાયું હતું. સ્થાનિક લોકોનો આરોપ છે કે માઇગ્રન્ટ્સ દ્વારા યુવતીઓની છેડતી કરાય છે, તેઓ ડેન્ટિસ્ટની વધુ પડતી એપોઇન્ટમેન્ટ લે છે અને પેવમેન્ટ પર વધુ દબાણ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter