લંડનઃ માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ યુકેમાં કામ કરવા આવતા કુશળ વર્કર્સની સંખ્યા પર અંકુશ રાખવા સરકારને ભલામણ કરી છે. કમિટીના રિપોર્ટમાં વિદેશથી ભરતી કરતા એમ્પ્લોયર્સ પર લેવી લાદવા, લઘુતમ વેતનો ઊંચે લઈ જવા અને ઓવરસીઝ આઈટી કોન્ટ્રાક્ટર્સ પર નિયંત્રણો સહિતના પગલાં સૂચવાયાં છે. જોકે, કમિટીની ભલામણોનો એમ્પ્લોયર્સ દ્વારા વિરોધ કરાયો છે. તેમનું કહેવું છે કે આના કારણે ખર્ચ વધવા સાથે લોકોને કામે રાખવાનું મુશ્કેલ બનશે.
કમિટીના ચેરમેન ડેવિડ મેટ્કાફે જણાવ્યું હતું કે તેમની ભલામણો આર્થિક પ્રવૃત્તિઓને નુકસાન કર્યા વિના ઈમિગ્રેશન પર અંકુશની માગણીઓ વચ્ચે સમતુલા જાળવવા મુજબની છે. આ પગલાંથી યુકેના એમ્પ્લોઈઝમાં રોકાણ વધશે અને માઈગ્રન્ટ શ્રમિકોનો ઉપયોગ ઘટશે. હાલ ઈયુ બહારના દેશોમાંથી યુકેમાં કામ કરવા આવતા લોકો માટે ટિયર-ટુ વિઝા મુખ્ય છે અને તે મારફત આવેલા ઈમિગ્રન્ટ્સનો તાજો આંકડો ૩૩૬,૦૦૦નો છે.
કમિટીએ એમ્પ્લોયર્સ પર સ્થાનિક કામદારોની ટ્રેનિંગના ફંડ માટે વાર્ષિક ૧,૦૦૦ પાઉન્ડનો ચાર્જ લાદવા તેમજ લઘુતમ વેતન મર્યાદા વાર્ષિક ૨૦,૮૦૦ પાઉન્ડથી વધારી ૩૦,૦૦૦ પાઉન્ડ અને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ હેઠળના આઈટી વર્કર્સ માટે ૪૧,૫૦૦ પાઉન્ડ કરવા ભલામણ કરી છે. જોકે, શિક્ષકો અને નર્સીસ જેવા ઓછાં વેતનના સ્ટાફ માટે આવો વધારો તબક્કાવાર કરવા જણાવાયું છે. વેતનમર્યાદા ઊંચે લઈ જવાથી માઈગ્રન્ટ વર્કર્સની સંખ્યામાં ૨૭,૬૦૦નો ઘટાડો થઈ શકશે. આઈટી સેક્ટરલક્ષી પગલાંથી ૧૨,૦૦૦ જેટલા વર્કર્સની સંખ્યા ઘટશે. એમ્પ્લોયર્સના સૌથી મોટા જૂથ CBI સહિતના જૂથો દ્વારા આ સૂચનોનો વિરોધ કરાયો છે. તેમનું કહેવું છે કે ખાસ કરીને નિકાસ કરતા મધ્યમ કદના બિઝનેસીસ સહિત પેઢીઓના વિકાસ અને નોકરીના સર્જનની ક્ષમતાને પ્રતિકૂળ અસર થશે.


