લંડનઃ ઇમિગ્રેશન નિયમો આકરા બનાવવાની ઝુંબેશમાં પીછેહઠ કરતાં હોમ સેક્રેટરી શબાના માહમૂદે ગયા સપ્તાહના પ્રારંભે વિદેશી કેર વર્કર્સ સહિતના ઇમિગ્રન્ટ્સ, ચેનલ દ્વારા આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ, વિઝા ઉલ્લંઘન કરનાર વિદેશીઓ, રેફ્યુજી અને ડિપેન્ડન્ટ્સ માટે યુકેમાં કાયમી વસવાત (આઇએલઆર) માટે નવા પ્રસ્તાવોની જાહેરાત કરી હતી. આ પ્રસ્તાવો અંતર્ગત સૌથી મોટી રાહત મે 2025 પહેલાં યુકેમાં આવેલા અને હાલ યુકેમાં જ સ્થિત વિદેશી કેર વર્કર્સ અને તેમના આશ્રિતોને સૌથી મોટી રાહત પ્રાપ્ત થઇ છે. આ જાહેરાતને પગલે 3 લાખ જેટલાં વિદેશી કેર વર્કર્સનો યુકેમાં કાયમી વસવાટની પરવાનગી હાંસલ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. તે ઉપરાંત વર્ષે 1,25,141 પાઉન્ડ કરતાં વધુ કમાણી કરનારા ઉચ્ચ કરદાતાઓ તેમજ 'ગ્લોબલ ટેલેન્ટ' અને 'ઇનોવેટર ફાઉન્ડર' જેવા અત્યંત કુશળ વર્ગના લોકો 3 વર્ષ પછી સેટલમેન્ટ માટે અરજી કરી શકશે. 50,271 પાઉન્ડથી વધુ કમાણી કરનારા ઉચ્ચ દરોના કરદાતાઓ અને તબીબો, નર્સો અને શિક્ષકો જેવા જાહેર ક્ષેત્રના કુશળ કર્મચારીઓ પાંચ વર્ષ પછી સેટલ થઈ શકશે. જોકે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ, સામાન્ય માનકો અંતર્ગત આવતા ઇમિગ્રન્ટ્સ સહિતના લોકોને 10થી 30 વર્ષ રાહ જોવી પડશે.


