વિદેશી કેર વર્કર્સને વિઝા નિયંત્રણોમાંથી મુક્તિ આપવા બર્નહામની વિચારણા

Tuesday 04th August 2026 12:42 EDT
 
 

લંડનઃ પરમેનન્ટ રેસિડન્સી માટેની સમયમર્યાદા 5 વર્ષથી વધારીને 15 વર્ષ કરવાના હોમ સેક્રેટરી શબાના માહમૂદના સુધારામાંથી વિદેશી સોશિયલ કેર વર્કર્સને છૂટછાટ આપવા અંગે વડાપ્રધાન એન્ડી બર્નહામ વિચારણા કરી રહ્યા છે.

યુકેના સોશિયલ કેર સેક્ટરમાં હાલ લગભગ 96,000 જગ્યાઓ ખાલી છે. વડાપ્રધાને આ સેક્ટરમાં વિદેશી કેર વર્કર્સના યોગદાનની પ્રશંસા કરી હતી. હોમ સેક્રેટરી શબાના માહમૂદના પ્રસ્તાવિત નિયમો હેઠળ કેર વર્કર્સને ઓછા કે મધ્યમ કૌશલ્ય ધરાવતા વર્ગમાં મૂકીને તેમના માટે કાયમી નિવાસ મેળવવાનો ગાળો 5 વર્ષથી વધારીને 15 વર્ષ કરવાનો નિર્ણય લેવાયો છે.

હવે વડાપ્રધાન બર્નહામ યુકેમાં પહેલાથી જ કાર્યરત કેર વર્કર્સને 15 વર્ષના નિયમમાંથી મુક્તિ આપવાની યોજના બનાવી રહ્યા છે. એન્જેલા રેયનરે પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.

યુકેમાં કુલ 1.6 મિલિયન કેર વર્કર્સમાંથી લગભગ ત્રીજા ભાગના કર્મચારીઓ વિદેશી નાગરિકો છે. વર્ષ 2022થી 2024 વચ્ચે લગભગ 1.85 લાખ વિદેશી કેર વર્કર્સની ભરતી કરવામાં આવી હતી, જે તાજેતરના કડક નિયમોના કારણે 2024-25માં ઘટીને માત્ર 30,000 રહી ગઈ છે. વિદેશી કેર વર્કર્સમાં સૌથી વધુ 26% નાઇજિરીયન, 17% ભારતીય અને 9% ઝિમ્બાબ્વેના નાગરિકો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter