વિદેશી ગ્રેજ્યુએટ્સ માટે વર્ક વિઝા આપવા યુનિવર્સિટીઓની માગણી

Saturday 08th September 2018 02:49 EDT
 
 

લંડનઃ બ્રિટિશ યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી દેશમાં રહી બે વર્ષ સુધી કામકાજ કરી શકે તેની છૂટ આપતા વર્ક વિઝા ફરીથી દાખલ કરવા સરકાર સમક્ષ માગણી કરી છે. આના પરિણામે યુકેને સ્પર્ધક દેશો સામે સરસાઈ મળશે અને ઈયુમાં જન્મેલા ૧૩૪,૮૩૫ વિદ્યાર્થી સહિત દર વર્ષે બ્રિટનમાં અભ્યાસાર્થે આવતા ૪૫૦,૦૦૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સ્તર જાળવવામાં મદદ મળશે.

શિક્ષણ જગતની છત્રરુપ સંસ્થા ‘Universities UK’ દ્વારા પાર્લામેન્ટને જણાવાયું હતું કે યુકે વિદેશી વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય સ્થળ રહ્યું છે. જોકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જર્મની જેવાં નિકટના સ્પર્ધકો યુકે કરતા વધુ ઝડપે આગળ વધી રહ્યા છે. વર્ષ ૨૦૧૪-૧૫માં યુએસમાં ૯.૪ ટકા, ઓસ્ટ્રેલિયામાં ૧૦.૭ ટકા અને જર્મનીમાં ૮.૭ ટકા વિદેશી વિદ્યાર્થી વધ્યા હતા, જ્યારે યુકેમાં માત્ર ૦.૫ ટકાનો વધારો થયો હતો. યુકેએ ૨૦૧૨માં ગ્રેજ્યુએટ્સને દેશમાં રહેવા અને બે વર્ષ સુધી કામ કરવાની છૂટ આપતા પોસ્ટ સ્ટડી વર્ક વિઝા બંધ કર્યા હતા.

‘Universities UK’ના ઈન્ટરનેશનલ પોલિસી નેટવર્કના ચેરમેન અને એક્સટર યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર સર સ્ટીવ સ્મિથે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પછીના ગાળામાં આ વિઝાસોફ્ટ પાવરનો મહત્ત્વપૂર્ણ સ્રોત બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસ અને કેનેડા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી ત્રણ વર્ષ અને ઓસ્ટ્રેલિયા ચાર વર્ષ રહેવાની પરવાનગી આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter