લંડન
નોર્ધન આયર્લેન્ડ પ્રોટોકોલ બાદ વડાપ્રધાન રિશી સુનાકે વધુ એક સફળતા હાંસલ કરી છે. ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા વિદેશી ઘૂસણખોરોને અટકાવવા માટે ફ્રાન્સ સાથે સમજૂતિ કરવામાં આવી છે જે અંતર્ગત બ્રિટન ફ્રાન્સમાં માઇગ્રન્ટ ડિટેન્શન સેન્ટર અને સ્મોલ બોટ પોલીસ ફોર્સ તૈયાર કરવા માટે ફ્રાન્સને 500 મિલિયન પાઉન્ડ ચૂકવશે.
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે એક કલાક લાંબી મંત્રણા બાદ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, માનવ તસ્કરી કરતી ગેંગોના સફાયા માટે નાણાની જરૂર છે. નવી સંધિ અનુસાર બ્રિટન વિદેશી ઘૂસણખોરોને ઇંગ્લિશ ચેનલ પાર કરાવતી નાની હોડીઓને અટકાવવા માટેના પ્રયાસો ઝડપી બનાવવા ફ્રાન્સના અધિકારીઓને મદદ માટે આગામી 3 વર્ષમાં 541 મિલિયન પાઉન્ડ ચૂકવશે. બદલામાં ફ્રાન્સની સરકાર નાની હોડીઓને અટકાવવા માટેના પોલીસ યુનિટ અને બોર્ડર યુનિટમાં વધારાના સેંકડો કર્મચારીઓને તહેનાત કરશે. આ કાર્યવાહીમાં હવે ડ્રોન, એરક્રાફ્ટ અને સર્વેલન્સ ટેકનોલોજીની પણ મદદ લેવાશે.
ગયા વર્ષે થયેલી સમજૂતિમાં પહેલીવાર ફ્રાન્સના કન્ટ્રોલ રૂમોમાં બ્રિટિશ અધિકારીઓ તહેનાત કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે નવી સમજૂતિ પ્રમાણે ફ્રાન્સના કન્ટ્રોલ રૂમોમાં કાયમ માટે 24 કલાક બ્રિટિશ અધિકારીઓ હાજર રહેશે અને નાની હોડીઓને અટકાવવા માટે દિશાનિર્દેશો આપશે. બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી અને તેની ફ્રેન્ચ સમકક્ષ એજન્સી વચ્ચે સહકાર વધારવામાં આવશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, નાની હોડીઓ દ્વારા બ્રિટનમાં થતી ઘૂસણખોરી અટકાવવાને મેં મારી ટોચની પાંચ પ્રાથમિકતામાં સામેલ કરી હતી. અમે ગેરકાયદેસર રીતે યુકે આવતા વિદેશીઓને અટકાવવા પ્રાથમિકતાના ધોરણે પગલાં લઇ રહ્યાં છીએ. આપણે આ સમસ્યાને મેનેજ કરવાની નથી પરંતુ નાબૂદ કરી દેવાની છે. યુકે અને ફ્રાન્સ સાથે મળીને આ દિશામાં કામ કરી રહ્યાં છે.


