લંડનઃ યુકેમાં લક્ઝરી કારની ચોરીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વિદેશી ક્રિમિનલ ગેંગો લક્ઝરી કારની ચોરી માટે હવાઇમાર્ગે યુકે આવતી હોવાનો ઘટસ્ફોટ કરાયો છે. ગયા વર્ષે લક્ઝરી કારની ચોરીની ઘટનાઓ ઓલ ટાઇમ હાઇ પર પહોંચી હતી. જેના કારણે કાર ઉત્પાદકો ચોરી અટકાવવા માટેની વ્યવસ્થા કરવા ક્રિમિનલ્સ સામે બાથ ભીડી રહી છે.
પૂર્વ યુરોપમાં ભારે માગ હોવાના કારણે તાજેતરના વર્ષોમાં ક્રિમિનલ ગેંગો દ્વારા લેક્સસ અને ટોયોટા કારની ઉઠાંતરી વધુ કરવામાં આવી રહી છે. સુરક્ષા નિષ્ણાતો કહે છે કે કારની ચોરી કરવા માટે ક્રિમિનલ્સ નિયમિત રીતે હવાઇમાર્ગે યુકે પહોંચે છે. તેઓ દક્ષિણ કિનારાના બંદરો પર કાર લઇ જતાં પહેલાં તાત્કાલિક નંબર પ્લેટ બદલી નાખે છે અને ત્યારબાદ દેશ છોડીને ચાલ્યા જાય છે.
કાર ચોરની વધી રહેલી ઘટનાઓના કારણે વાહન માલિકો તેમની કારમાં એન્ટી થેફ્ટ સિસ્ટમ લગાવવા અને તેમના ઘર ખાતે સુરક્ષામાં વધારો કરવા ધસારો કરી રહ્યાં છે. સિક્યુરિટી સિસ્ટમ લગાવતી કંપનીના જણાવ્યા અનુસાર તાજેતરના વર્ષોમાં કાર ચોરીની ઘટનાઓ ચરમસીમા પર પહોંચી છે. અમે દર મહિને 800 કારમાં ઘોસ્ટ ઇમમોબિલાઇઝર લગાવી રહ્યાં છીએ.
ઘોસ્ટ ઇન્સોટલેશન્સના મેનેજિંગ ડિરેક્ટર ગેરેથ બ્રુક્સ કહે છે કે સાઉથ બર્મિંગહામથી સાઉથ કોસ્ટ સુધીના વિસ્તારો કાર ચોરી માટેના હોટ સ્પોટ બની રહ્યાં છે. અમારું 75 ટકા કામ સાઉથ બર્મિંગહામમાં ચાલી રહ્યું છે. ક્રિમિનલ્સ ફક્ત 20 સેકન્ડમાં કારની ઉઠાંતરી કરે છે. તેઓ સમાન કંપની અને મોડેલની અન્ય કારની નકલી નંબર પ્લેટ લગાવીને પોર્ટ ખાતે પહોંચી જાય છે. પોલીસ આ પ્રકારની ઉઠાંતરી કરાયેલી કારની ઓળખ કરી શકતી નથી.

