વિદેશી ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટ્સ માટે વિઝાનિયમોમાં ધરમૂળ ફેરફાર કરાશે

Tuesday 20th October 2015 09:13 EDT
 
 

લંડનઃ યુકેમાં કુશળ ટેકનોલોજિસ્ટ્સની વર્તાતી અછતને ધ્યાનમાં લઈ સરકાર વિદેશી ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટ્સ માટેના વિઝા નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવા તૈયાર થઈ છે. આ ફેરફારો આગામી મહિનાથી લાગુ કરાશે. ઈન્ડ્સ્ટ્રીઝના અગ્રણીઓ અને નવા શરૂ કરાતાં ધંધાઓ દ્વારા વિકાસને અનુરૂપ આવશ્યક સ્ટાફ મળતો ન હોવાની સતત ફરિયાદના પગલે સ્પેશિયાલિસ્ટ ટેકનોલોજી કૌશલ્ય ધરાવતા બિન-ઈયુ નાગરિકોને યુકેમાં કામ કરવા આકર્ષવાનું સરળ બનાવી શકાય તે માટે વિઝાનિયમોમાં ફેરફારનું પગલું લેવાશે.

ઝડપી વિકાસ સાધતી ટેકનોલોજી કંપનીઓને મદદરૂપ થવા વડા પ્રધાને બે વર્ષ અગાઉ જારી કરેલી યોજનાને બરાબર પ્રતિસાદ નહિ મળવાથી બ્રિટનના ડિજિટલ સેક્ટરને ઉત્તેજન આપવા અને સ્પેશિયલ વિઝા રુટનો વહીવટ કરવા રચાયેલી ખાસ સંસ્થા ટેક સિટી દ્વારા વિદેશી કોડર્સ યુકેમાં કામ કરી શકે તેવી નવી યોજના ઓફર કરાશે. ટેક સિટીએ જણાવ્યું હતું કે તેને માત્ર ૧૯ અરજી મળી હતી, જેમાંથી ૧૭ અરજી મંજૂર કરાઈ હતી. સંસ્થા પાસે વાર્ષિક ૨૦૦ વિઝાની ક્ષમતા છે.

સૌપ્રથમ વખત વિદેશી પ્રતિભાશાળી ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટ્સ એક ગ્રૂપ તરીકે વિઝા માટે અરજી કરી શકશે. આના પરિણામે સ્ટાર્ટ-અપ ધંધાઓમાં ‘એક્વાયર-હાયર’ સોદાબાજીની વ્યાપક તક મળી શકશે. ટેક સિટી દ્વારા જણાવાયું છે કે તેનાથી ક્રીએટિવિટી, સહકાર અને કોમર્શિયલ કલ્પનાનો સબળ રેકોર્ડ ધરાવતી ઉચ્ચ ક્ષમતા અને કાર્યરત ટીમોને તે આકર્ષવા માગે છે. સોફ્ટવેર પ્રોગ્રામ કોડિંગ, ફાઈનાન્સિયલ અને ઓનલાઈન કોન્ફિડન્સ સ્પેશિયાલિસ્ટ્સ સહિત બેચ માર્કેટપ્લેસ ફ્લોટેશન તરફ વિકાસનો પ્રયાસ કરતી સપોર્ટ કંપનીઓમાં વર્કર્સને લાવવા નવી ફાસ્ટ-ટ્રેક લેન હશે. સરકારના ‘નોર્ધર્ન પાવરહાઉસ’ ઈનિશિયેટિવમાં સામેલ છ શહેરોમાં સ્થાપિત ટેકનોલોજી કંપનીઓમાં કામ કરવાની અરજીઓને ફાસ્ટ-ટ્રેક પર મૂકાશે.

બ્રિટનમાં ઘરઆંગણે વિકસેલી પબ્લિક ટેકનોલોજી કંપનીઓની વૃદ્ધિ માટે સંજોગો ઉભાં કરવા સરકાર અને ટેક સિટીના પ્રયાસોને મર્યાદિત સફળતા સાંપડી છે. લંડન સ્ટોક એક્સચેન્જનું હાઈ ગ્રોથ સેગમેન્ટ માત્ર એક ઈઝરાયલી કંપનીને ફ્લોટેશન માટે આકર્ષી શકયું છે. બીજી તરફ, ઓડિયો રેક્ગનિશન એપ શાઝામ જેવા બ્રિટિશ સ્ટાર્ટ-અપ્સ સ્ટોક માર્કેટમાં પગરણ માંડવા ન્યૂ યોર્ક તરફ નજર દોડાવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter