લંડનઃ વિદેશી કામદારોને યુકેમાં નોકરી અને વિઝા અપાવવાના નામે નર્સિંગ એજન્સીની બોસ 48 વર્ષીય સુનિતા કેમલો પર 1,00,000 પાઉન્ડનું ફ્રોડ આચરવાનો આરોપ મૂકાયો છે. સુનિતાએ હેલ્થકેર સેક્ટરમાં નોકરી કરવા ઉત્સુક વિદેશી કર્મચારીઓ અને અન્ય એજન્સી ઓપરેટરોને ફ્રોડ નોકરીઓ અને દસ્તાવેજો આપીને છેતરપિંડી આચરી હતી.
સ્ટર્લિંગ શેરિફ કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, સુનિતા પૂર્વ નર્સ છે. સંખ્યાબંધ ક્લાયન્ટ દ્વારા પોલીસમાં ફરિયાદ કરાયા બાદ તેની ધરપકડ કરાઇ હતી. સુનિતાના ફ્રોડનો ભોગ બનેલા કેટલાક પીડિત ભારતીય અને નાઇજિરિયન છે. યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા વિદેશીઓને નોકરી અપાવવાનો ઝાંસો આપીને સુનિતાએ તેમની સાથે પણ છેતરપિંડી કરી હતી.
યુકેમાં નોકરી મેળવવા ઉત્સુક વિદેશીઓએ સુનિતાને વર્ક વિઝા અને સ્પોન્સરશિપ સર્ટિ માટે 3000થી 13000 પાઉન્ડ ચૂકવ્યા હતા. સુનિતાએ 2016માં બિઝનર્સ લિમિટેડ નામની એજન્સી શરૂ કરી હતી જેના દ્વારા તે આ ફ્રોડ આચરી રહી હતી. શંકા છે કે તે ઝિમ્બાબ્વેમાં રહેતા જ્હોન વેનયાલી સાથે મળીને આ સ્કેમ ચલાવી રહી હતી.


