લંડનઃ 2022માં નેટ ઇમિગ્રેશન 7,50,000 પર પહોંચી ગયા બાદ હવે રિશી સુનાકની સરકારે નવા આકરા ઇમિગ્રેશન નિયમો જાહેર કર્યાં છે. સુનાક સરકારનો ફાઇવ પોઇન્ટ પ્લાન જાહેર કરતાં હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, સ્પ્રિંગ 2024થી યુકેમાં વર્ક વિઝા પર આવતા ઇમિગ્રન્ટ્સને વાર્ષિક 38,700 પાઉન્ડ પગાર મેળવવો પડશે જે હાલમાં 26,200 પાઉન્ડ છે. તેવી જ રીતે પોતાના વિદેશી જીવનસાથીને યુકેમાં લાવવા ઇચ્છતા બ્રિટિશ નાગરિકે પણ તેટલી જ આવક બતાવવી પડશે જે હાલ કરતાં બમણી છે.
જોકે મોટાભાગે ઇમિગ્રન્ટ સ્ટાફ પર આધારિત એવા હેલ્થ અને સોશિયલ કેર સેક્ટરોને પગારના આ નિયમમાંથી મુક્તિ અપાઇ છે પરંતુ વિદેશથી આવેલા કેર વર્કર હવે તેમના આશ્રિતને બ્રિટનમાં લાવી શકશે નહીં.
સરકારે જણાવ્યું હતું કે, અમે શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ પર રહેલા સેક્ટરોના નોકરીદાતાઓ માટેના યુકેના નાગરિક કરતાં ઇમિગ્રન્ટ વર્કરને 20 ટકા ઓછો પગાર આપવાના નિયમને પણ રદ કરી નાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2024થી મોટાભાગના વિદેશી ગ્રેજ્યુએટ વિદ્યાર્થી તેમના પરિવારજનોને યુકેમાં બોલાવી શકશે નહીં. ક્લેવરલીએ જણાવ્યું હતું કે, નવા પગલાંને કારણે આગામી વર્ષોમાં બ્રિટન આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં 3 લાખ સુધીનો ઘટાડો કરી શકાશે.
સુનાક સરકારનો ફાઇવ પોઇન્ટ પ્લાન
1 હેલ્થ અને કેર વર્કર્સ દ્વારા યુકેમાં લવાતા પરિવારજનો પર પ્રતિબંધ
2 શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ પરની નોકરીઓ માટે વિદેશી કામદારોને 20 ટકા ઓછો પગાર આપવાનો નિયમ રદ
3 વિદેશી કામદાર દ્વારા એનએચએસના ઉપયોગ માટે ચૂકવાતો વાર્ષિક ચાર્જ 624 પાઉન્ડથી વધારીને 1035 પાઉન્ડ કરવો
4 આગામી વસંતથી ફેમિલી વિઝા માટેની લઘુતમ આવક મર્યાદા વધારીને 38700 પાઉન્ડ કરવી
5 ગ્રેજ્યુએટ વિઝા રૂટના થતા દુરુપયોગને અટકાવવો


