વિદેશી પ્રોપર્ટી માલિકોને સાચી ઓળખ જાહેર કરવાની ફરજ પડાશે

Wednesday 09th March 2022 02:17 EST
 

લંડનઃ યુકેમાં ફોરેન પ્રોપર્ટી ઓનરશિપ રજિસ્ટર તૈયાર કરવાના ખરડાની જાહેરાત બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે કરી છે. આ રજિસ્ટર બ્રિટનમાં વિદેશી પ્રોપર્ટી માલિકોએ પોતાની સાચી ઓળખ જાહેર કરવી પડે તે માટે ડર્ટી મની અને મની લોન્ડરિંગના દૂષણો પર ત્રાટકવાના નવા વ્યાપક આર્થિક પગલાંનો હિસ્સો બની રહેશે.

બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે પારદર્શિતા વધારવાના લક્ષ્ય સાથે કંપનીઝ હાઉસના સંખ્યાબંધ સુધારાઓની રુપરેખા જાહેર કરતું વ્હાઈટ પેપર જારી કર્યું હતું. આ મુજબ એજન્સીનું ‘ચોકસાઈપૂર્ણ અને વિસ્તૃત માહિતીના કસ્ટોડિયન’ રુપાંતર કરવામાં આવશે. આના પરિણામે, મની લોન્ડરિંગ માટે યુકે કોર્પોરેટ માળખાનો દુરુપયોગ કરવા માગનારા પર અંકુશ મેળવી શકાશે.

બ્રિટનમાં કંપની સ્થાપવા, ચલાવવા, માલિકી અથવા અંકુશ ધરાવવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિએ કંપનીઝ હાઉસ પાસે તેમની ઓળખની ખરાઈ કરાવવી પડશે. આના પગલે એજન્સી ખોટી-શંકાસ્પદ માહિતીઓ આપનારને પડકારી શકશે અને સિક્યુરિટી એજન્સીઓને જાણ કરી શકશે.

ક્રિમિનલ્સ અથવા ધનાઢ્યો વતી યુકેમાં કંપનીઓ સ્થાપતા વિદેશસ્થિત કંપની એજન્ટ્સને અટકાવવાના હેતુસર અન્ય નવો ખરડો પણ રજૂ કરાનાર છે. રશિયા તથા અન્યત્રના ધનાઢ્યો અને ભ્રષ્ટ શાસકોએ યુકેમાં રજિસ્ટર્ડ કંપનીઝ અને પાર્ટનરશિપ્સના ઓઠા હેઠળ ભ્રષ્ટાચારથી પ્રાપ્ત સંપતિના લોન્ડરિંગનો ઉપયોગ કર્યો હોવાનું પણ બિઝનેસ સેક્રેટરીએ જણાવ્યું હતું. સરકાર લિમિટેડ પાર્ટનરશિપ કાયદામાં સુધારા, ક્રિપ્ટો એસેટ્સની જપ્તીની સત્તા તેમજ શંકાસ્પદ નાણા સંબંધે માહિતીના શેરિંગમાં બિઝનેસીસને મદદ કરવાના કાયદા પણ લાવવા સજ્જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter