વિદેશી પ્રોફેશનલ્સ માટેના વિઝા નિયમો વધુ આકરા બનાવવા સ્ટાર્મર સરકારની કવાયત

આઇટી, ટેલિકોમ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં વિદેશી પ્રોફેશનલ્સને નોકરી આપવા માટેની વેતન મર્યાદામા વધારા સહિતના બદલાવ કરવા વિચારણા

Tuesday 13th August 2024 11:34 EDT
 

લંડનઃ સુનાક સરકાર દ્વારા લાદવામાં આવેલા વિઝા નિયંત્રણોના કારણે એકતરફ વિદેશી સ્કીલ્ડ વર્કરો, હેલ્થ કેર વર્કરો અને સ્ટુડન્ટ્સની વિઝા અરજીમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે બીજીતરફ નવી ચૂંટાયેલી લેબર સરકાર માઇગ્રેશન ઘટાડવા માટે વિદેશી આઇટી, ટેલિકોમ અને એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સને નોકરી પર રાખવા માટેના વિઝા નિયમો વધુ આકરા બનાવવાની વિચારણા કરી રહી છે. યુકેના લેબર માર્કેટમાં પ્રવર્તતી તીવ્ર અછતના કારણે દર વર્ષે હજારો ભારતીય આઇટી અને એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ બ્રિટન આવે છે.

સ્ટાર્મર સરકાર આઇટી, ટેલિકોમ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં વિદેશી પ્રોફેશનલ્સને નોકરી આપવા માટેની વેતન મર્યાદામા વધારા સહિતના બદલાવ કરવા વિચારણા કરી રહી છે. યુકેના હોમ સેક્રેટરી ય્વેટ કુપરે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીના અધ્ક્ષ બ્રાયન બેલને આ સેક્ટરોમાં યુકેને વિદેશી પ્રોફેશનલ્સ પર શા માટે આધારિત રહેવું પડે છે તેના કારણોની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. વિદેશી પ્રોફેશનલ્સની મોટાપાયે થતી ભરતી લેબર માર્કેટની નબળાઇઓ અને કુશળતાના અભાવને છતાં કરે છે.

કુપરે કમિટીને દેશમાં પ્રોફેશનલ્સની અછતના કારણો શોધી કાઢવા અને શા માટે આ સેક્ટરો વિદેશી પ્રોફેશનલ્સ પર આધારિત રહે છે તેની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. તેઓ ઘરઆંગણાના પ્રોફેશનલ્સની ભરતી કરે તે માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં કેવા નીતિવિષયક બદલાવની જરૂર છે તેની સમીક્ષા પણ કરાશે. તેમણે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન સિસ્ટમ દેશના હિતમાં કામ કરી રહી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter