માન્ચેસ્ટરઃ મધ્યમવર્ગીય ચોપરા દંપતી સામે ૨૮ વર્ષની એક વિદેશી મહિલાને ગુલામ બનાવવા બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે. મૂળ ભારતીય મનાતા ૪૭ વર્ષના સાઈકિયાટ્રિસ્ટ મિનુ ચોપરાને માન્ચેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં અને તેના મરિન એન્જિનીઅર પતિ સંજય ચોપરાને બરી એન્ડ રોચડેલ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર કરાયા હતા. રિમાન્ડ પર સોંપાયેલા આ દંપતીને ૧૧ માર્ચે માન્ચેસ્ટર મિન્શુલ સેન્ટ ક્રાઉન કોર્ટ સમક્ષ વધુ કાર્યવાહી માટે હાજર કરવામાં આવે તેવી શક્યતા છે.
સંજીવ ચોપરા ભારતના મુંબઈમાં વડુ મથક ધરાવતી હેરાલ્ડ મરિન સર્વિસીસમાં ચીફ એન્જિનીઅર અને મિનુ ચોપરા રોયલ બોલ્ટન હોસ્પિટલમાં સાઈકિયાટ્રિસ્ટ તરીકે કામ કરે છે. મિનુ ચોપરાની ૧૧ ફેબ્રુઆરી અને સંજીવ ચોપરાની ૧૩ ફેબ્રુઆરીએ ધરપકડ કરાઈ હતી. ચોપરા દંપતી ગ્રેટર માન્ચેસ્ટરના રોચડેલના બામફર્ડ એરિયામાં રહે છે. તેમણે વિદેશી મહિલાને યુકે બોલાવીને જાન્યુઆરી ૨૦૧૧થી જુલાઈ ૨૦૧૫ સુધીના ગાળામાં ગુલામી કે વેઠિયા તરીકે અમાનવીય વ્યવહાર અને શોષણ કર્યાનો આરોપ લગાવાયો છે.
જોકે, ચોપરા દંપતી અને તેમના આઠ વર્ષના પુત્રના પરિવારને સુઘડ અને શિષ્ટ ગણાવતા તેમના પડોશીઓ માને છે કે કોઈ ભૂલ થઈ લાગે છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે કથિત વિક્ટિમને મકાનમાંથી બહાર કાઢી સરકારી એજન્સીના રક્ષણ હેઠળ મૂકી હતી. ચોપરા દંપતી સામે મોડર્ન સ્લેવરી એક્ટ ૨૦૧૫ હેઠળ ચાર્જ લગાવાયો છે. આ કાયદા હેઠળ મહત્તમ ૧૪ વર્ષ કારાવાસની સજા થઈ શકે છે.


