વિદેશી વિદ્યાર્થીઓ બ્રિટન માટે લાભકારક છતાં બ્રેવરમેનનું આકરું વલણ

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે બ્રિટનને વર્ષ 2021-22માં 42 બિલિયન પાઉન્ડનો લાભ થયો

Tuesday 16th May 2023 11:38 EDT
 
 

લંડનઃ એકતરફ હોમ સેક્રેટરી યુકેમાં અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નિયમો આકરા બનાવવા ઉતાવળા બન્યાં છે ત્યારે વાસ્તવિકતા એ છે કે બ્રિટન માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ લાભકારક છે. તેઓ બ્રિટનની હાયર એજ્યુકેશન સિસ્ટમને આર્થિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે છે. દેશના અર્થતંત્રમાં યોગદાન આપે છે અને યુકેમાં સ્કીલ પાવર વધારે છે. તેમ છતાં હોમ ઓફિસ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે આકરું વલણ અપનાવી રહી છે કારણ કે તેને માઇગ્રેશનના કુલ આંકડા નીચા બતાવવા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અર્થતંત્રને મોટું યોગદાન આપી રહ્યાં છે. તે ઉપરાંત તેમના કારણે યુકેને કુશળ કર્મચારીઓ પણ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જો હોમ ઓફિસને એમ લાગતું હોય કે વિદેશી વિદ્યાર્થીઓને કારણે નેટ માઇગ્રેશનના આંકડા વધી રહ્યાં છે તો તેમને ગણતરીમાં જ ન લેવા જોઇએ. ફોરેન સ્ટુડન્ટ્સ માઇગ્રન્ટ ગણી શકાય નહીં. અમેરિકાએ નેટ માઇગ્રેશનમાં વિદેશી વિદ્યાર્થીઓની ગણતરી કરવાનું બંધ કરી દીધું છે.

છેલ્લા 3 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે યુકેને થતી આવકમાં 3 ગણો વધારો થયો છે. વર્ષ 2021-22માં બ્રિટિશ અર્થતંત્રને વિદેશી વિદ્યાર્થીઓના કારણે 42 બિલિયન પાઉન્ડ અને 2018-19માં 31.3 બિલિયન પાઉન્ડની આવક થઇ હતી. યુનિવર્સિટીઝ યુકે ઇન્ટરનેશનલના ડિરેક્ટર જેમી એરોસ્મિથ કહે છે કે આપણી યુનિવર્સિટીઓ સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓને આકર્ષે છે તેનું આપણને ગૌરવ હોવું જોઇએ. યુકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકારતો રહે તે અત્યંત મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું યોગદાન ઘણું મહત્વનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter