લંડનઃ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા અસાયલમના દાવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એક થિન્ક ટેન્ક દ્વારા સૂચન કરાયું છે કે વિદેશી વિદ્યાર્થીઓને અસાયલમનો દાવો કરતા અટકાવવા તેમની પાસેથી 10,000 પાઉન્ડની ડિપોઝિટ વસૂલવી જોઇએ.
થિન્ક ટેન્ક પોલિસી એક્સચેન્જે જણાવ્યું હતું કે, યુકેમાં સેટલ થવા અથવા તો લોન્ગ ટર્મ વિઝા હાંસલ કરવા માટે તેમજ રાજ્યાશ્રયનો દાવો કરવા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા સ્ટુડન્ટ વિઝાનો બેક ડોર તરીકે ઉપયોગ થતો હોવાના પુરાવા સામે આવ્યા છે.
હોમ ઓફિસના આંકડા દર્શાવે છે કે વર્ષ 2024માં 16000 વિદેશીઓએ રાજ્યાશ્રયનો દાવો કર્યો હતો જે સ્ટુડન્ટ વિઝા પર યુકે આવ્યા હતા. જે કુલ દાવાના 15 ટકા છે. થિન્ક ટેન્કે સૂચન કર્યું છે કે વિદેશી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો થયા પછી વતનના દેશમાં પરત ચાલ્યા જાય તેવી શરતનું પાલન કરાવવા તેમની પાસેથી 10,000 પાઉન્ડની સ્યોરિટી વસૂલવી જોઇએ. તેનાથી સ્ટુડન્ટ વર્કિંગ રાઇટ્સના દુરુપયોગને પણ અટકાવી શકાશે. જો તેમના દ્વારા શરતોનું ઉલ્લંઘન કરવામાં આવે તો આ ડિપોઝિટ જપ્ત કરી લેવી જોઇએ. તેમની પાસેથી એવી પણ બાંયધરી લેવી જોઇએ કે તેઓ યુકેમાં રાજ્યાશ્રયનો દાવો નહીં કરે.


