લંડનઃ બ્રિટનમાં ૨૦૦૪ પછી બિન-ઈયુ દેશોનાં અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૦,૦૦૦થી વધુનો વધારો થયો છે. યુનિવર્સિટીઝ યુકેના આંકડા અનુસાર બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા બિન-ઈયુ વિદ્યાર્થીઓની ટકાવારી ૨૦૦૪માં ૯ ટકા હતી તે ૨૦૧૩માં વધીને ૧૩.૫ ટકા થઈ હતી. સૌથી વધુ વિદ્યાર્થી ચીનથી આવ્યા હતા, પરંતુ આફ્રિકા, ભારત, મિડલ ઈસ્ટ અને નોર્થ અમેરિકાથી પણ વિદ્યાર્થીઓ આવ્યા હતા. રિપોર્ટ અનુસાર ૨૦૧૩-૧૪માં ઉચ્ચ શિક્ષણ સેક્ટરની કુલ આવકનો ૧૩ ટકા હિસ્સો ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની ફીનો હતો.યુનિવર્સિટીઝ યુકેના જણાવ્યા અનુસાર તમામ કોર્સીસમાં ચીની વિદ્યાર્થીઓની સંખ્યા ૭૮ ટકા એટલે કે ૩૮,૪૯૦ના વધારા સાથે ૪૯,૪૦૫થી વધીને ૮૭,૮૯૫ના આંકડે પહોંચી હતી. બીજી તરફ, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એક દાયકામાં ૨૮ ટકાના વધારા સાથે ૧૫,૪૧૦થી વધીને ૧૯,૭૫૦ના આંકડે પહોંચી હતી. જોકે, આ આંકડો છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓમાં ૪૯ ટકા ઘટાડાને છુપાવે છે.પ્રથમ ડીગ્રી લેતા બિન-ઈયુ વિદ્યાર્થીઓની સંખ્યા એક દાયકામાં ૭૯,૪૧૫થી વધી ૧૩૭,૪૫૦ થઈ હતી, જે ૫૮,૪૫૦નો વધારો સૂચવે છે. પોસ્ટગ્રેજ્યુએટ્સ ડીગ્રી લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૦,૦૧૦થી વધી ૧૨૪,૯૬૦ થઈ હતી, જે ૪૪,૯૫૦નો વધારો દર્શાવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધતા યુનિવર્સિટીઓની તિજોરીઓ પણ છલકાઈ છે ત્યારે તેઓ પોતાનું ભંડોળ વધારવા ઓછી લાયકાત અથવા ખરાબ અંગ્રેજી સાથેના દરિયાપારના વિદ્યાર્થીઓની ભરતી કરતી હોવાની શંકા પણ દર્શાવાય છે. યુનિવર્સિટીઓના વાઈસ-ચાન્સેલરોએ અગાઉ ફરિયાદ કરી હતી કે ઉચ્ચ શિક્ષણના ભંડોળમાં સરકારી કાપથી તેમના બજેટમાં ગાબડાં પડે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન સંસ્થાના અભ્યાસમાં જણાયું હતું કે ૧૦૬ યુનિવર્સિટીએ ૨૦૧૩થી ૨૦૧૪ના ગાળામાં વિદેશમાં ભરતી પાછળ ૮૬ મિલિયન પાઉન્ડ એટલે કે વિદ્યાર્થી દીઠ ૧,૭૬૭ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. ભરતી એજન્ટ્સને નાણા ચુકવવામાં પણ યુનિવર્સિટીઓને નુકસાન નથી કારણ કે ગયા વર્ષે બિન-ઈયુ વિદ્યાર્થીઓ દ્વારા સરેરાશ ફી ૧૧,૨૮૯ પાઉન્ડ અથવા લેબોરેટરી સાથેના કોર્સીસ માટે ૧૪,૪૨૫ પાઉન્ડ ચુકવાય છે, જ્યારે યુકે અને ઈયુના વિદ્યાર્થીઓ વાર્ષિક ૯,૦૦૦ પાઉન્ડની મર્યાદામાં ફી ચુકવે છે.