વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતો પર પ્રતિબંધ

વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા ઇમિગ્રેશન નિયમો જાહેર કરાયાં, ફક્ત પીએચડી અને રિસર્ચ આધારિત અનુસ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ પોતાના આશ્રિતોને યુકેમાં બોલાવવાની પરવાનગી

Tuesday 30th May 2023 13:39 EDT
 
 

લંડનઃ યુકેની સરકાર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા ઇમિગ્રેશન નિયમો જાહેર કરાયાં છે. જે અંતર્ગત મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા તેમના પરિવારજનોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. નવા નિયમ અંતર્ગત નોન રિસર્ચ કોર્ષના અનુસ્નાતક સ્તરના વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારજનોને યુકેમાં લાવી શકશે નહીં. સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ અનુસાર યુકેમાં અભ્યાસ માટે આવતા મર્યાદિત સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓને તેમના જીવનસાથી અથવા બાળકોને જાન્યુઆરી 2024થી યુકેમાં લાવવાની પરવાનગી અપાશે.

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને વિદેશી વિદ્યાર્થીઓ પરના નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરવાના સરકારના વચનને પુરુ કરવા સરકાર સિસ્ટમ પર સકંજો કસવા માગે છે. સત્તાવાર આંકડા પ્રમાણે ડિસેમ્બર 2022માં પુરા થયેલા છેલ્લા એક વર્ષમાં લીગલ માઇગ્રેશન 6,00,000ને પાર કરી ગયું છે.

સરકારની યોજના અંતર્ગત પીએચડી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અને રિસર્ચ આધારિત અનુસ્નાતક અભ્યાસ કરતા મર્યાદિત વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર તેમના આશ્રિતોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બ્રેવરમેને એવી પણ જાહેરાત કરી હતી કે અભ્યાસ પૂરો કર્યા પહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને વર્ક વિઝા જારી કરાશે નહીં. આ નવી નીતિ હાલમાં યુકેમાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર લાગુ થશે નહીં. હવે પછી યુકેમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓ પર જ આ નિયંત્રણો લાગુ થશે. અંડરગ્રેજ્યુએટ વિદેશી વિદ્યાર્થીઓ તેમના આશ્રિતોને યુકેમાં લાવી શક્તાં નથી.

હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, યુકે વિદેશી વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે પરંતુ વિઝા મેળવીને આવતા વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. અમે આ રૂટથી થતા નેટ માઇગ્રેશન પર પણ નકેલ કસવા માગીએ છીએ.

સુએલા બ્રેવરમેનની ઇમિગ્રેશન ઘટાડવાની યોજના

  1. પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ પ્રોગ્રામ સિવાયના કોઇ વિદેશી વિદ્યાર્થી તેમના આશ્રિતને યુકે લાવી શકશે નહીં
  2. અભ્યાસ પૂરો કર્યા પહેલાં વિદેશી વિદ્યાર્થી યુકેમાં રહેવા માટે વર્ક વિઝા પ્રાપ્ત કરી શકશે નહીં
  3. ગેરરિતી આચરતા એજ્યુકેશન એજન્ટો પર નકેલ કસાશે

છેલ્લા એક વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓના 1,35,788 આશ્રિત યુકેમાં આવ્યા

ગયા વર્ષે યુકે દ્વારા 4,85,758 સ્ટુડન્ટ વિઝા જારી કરાયા હતા. તેમના 1,35,788 આશ્રિતો ગયા વર્ષે વિઝા મેળવીને યુકેમાં આવ્યા હતા. તેનો અર્થ એ થયો કે સ્ટડી રિલેટેડ વિઝાના 22 ટકા આશ્રિતોને જારી કરાયા હતા. 2019માં ફક્ત 16,047 આશ્રિતોને જ વિઝા જારી કરાયા હતા. નાઇજિરિયાના 59,053 વિદ્યાર્થીઓ દ્વારા 60,923 આશ્રિત, ભારતના 1,39,539 વિદ્યાર્થી દ્વારા 38,990 આશ્રિતને યુકેમાં લવાયા હતા.

નવા નિયંત્રણોથી નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરી શકાશેઃ રિશી સુનાક

વડાપ્રધાન રિશી સુનાકે કેબિનેટમાં મંત્રીઓને જણાવ્યું હતું કે, નવા નિયંત્રણોની મદદથી નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરી શકાશે. જાન્યુઆરી 2024થી આવી રહેલા બદલાવ સંખ્યામાં મોટો ઘટાડો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter