વિદેશી વિદ્યાર્થીઓને 20થી વધુ કલાક નોકરીની પરવાનગીની વિચારણા

પ્રતિ સપ્તાહ 30 કલાક અથવા તો સમયમર્યાદા સંપુર્ણપણે હટાવી લેવાના વિકલ્પો પર મંથન

Wednesday 01st February 2023 05:22 EST
 
 

લંડન

યુકેમાં ખાલી પડેલી નોકરીઓમાં ભરતી દ્વારા અર્થતંત્રને વેગ આપવાની સુનાક સરકારની યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વધુ કલાકો કામ કરવાની પરવાનગી અપાય તેવી સંભાવના છે. હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં કર્મચારીઓની અછતને દૂર કરવા માટે સરકાર બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના વિકલ્પો પર વિચારણા કરી રહી છે.

બ્રિટનમાં હાલ અભ્યાસ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સપ્તાહમાં 20 કલાક નોકરીની પરવાનગી અપાય છે. સ્ટુડન્ટ વિઝાનો બ્રિટનમાં પાછલા બારણે નોકરી કરવા માટે દુરુપયોગ ન કરાય તે માટે આ મર્યાદા લાદવામાં આવી છે. પરંતુ હવે કર્મચારીઓની અછતને ધ્યાનમાં લેતાં આ મર્યાદા વધારીને 30 કલાક કરવા અથવા તો કલાકોની મર્યાદા સંપુર્ણપણે હટાવી લેવાની વિચારણા સરકાર દ્વારા શરૂ કરાઇ છે.

હાલ બ્રિટનમાં અંદાજિત 13 લાખ નોકરીઓ ખાલી પડી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે અવરોધોને હટાવીને વિદ્યાર્થીઓ વધુ કલાકો કામ કરી શકે તે માટે શું કરી શકાય તેના પર મંત્રીઓ વિચારણા કરી રહ્યાં છે. તેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કામ કરવાની કલાકોની મર્યાદા પર વિચારણા થઇ રહી છે.

યુનિવર્સિટીઓમાં પ્રવર્તતા મતભેદો

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વધુ કલાક કામ કરવાની પરવાનગીના મુદ્દે યુનિવર્સિટીઓમાં મતભેદો પ્રવર્તી રહ્યાં છે. કેટલીક યુનિવર્સિટીઓએ આને સકારાત્મક સમાચાર ગણાવતા જણાવ્યું છે કે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા વિદ્યાર્થીઓને તેનાથી ઘણી મદદ મળી રહેશે જ્યારે કેટલીક યુનિવર્સિટીઓનું કહેવું છે કે વધુ પડતા કામના કલાકો અભ્યાસ માટે સારા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter