લંડનઃ અંગ્રેજી ભાષાની પરીક્ષા વધુ અઘરી બનાવી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાના મુદ્દે મિનિસ્ટર્સ અને યુનિવર્સિટીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. વર્ષે ઓછામાં ઓછાં ૨૫,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓને બ્રિટન આવતા રોકવાની સરકારની યોજના છે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન અને બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી અર્થતંત્રને થનારાં નુકસાનની ચિંતા છે. બીજી તરફ, યુનિવર્સિટીઓને પણ તેમની આવકમાં મોટું ગાબડું પડવાનો ભય સતાવે છે.
હોમ ઓફિસે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજની પરીક્ષા વધુ અઘરી બનાવવાની રુપરેખા યુનિવર્સિટી પ્રતિનિધિઓ સમક્ષ મૂકી છે. વડા પ્રધાન ડેવિડ કેમરને અઘરી ભાષાકીય પરીક્ષાની માગણી કરી છે અને હોમ સેક્રેટરી અંગ્રેજી બરાબર બોલી નહિ શકતાં વિદ્યાર્થીઓ પર તૂટી પડવાનો આગ્રહ ધરાવે છે. આ સંજોગોમાં કેટલીક યુનિવર્સિટીઓ પ્રથમ વર્ષના વિદેશી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાના ખાસ વર્ગો ચલાવવા સૂચન કરી રહી છે.
યુનિવર્સિટીના ચાન્સેલર્સને ભય છે કે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી દર વર્ષે તેમની આવકમાં લાખો પાઉન્ડનો ઘટાડો થશે. તેમણે આર્થિક અસરનું મૂલ્યાંકન કરવાની માગણી પણ કરી છે. યુકેમાં ભારતથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે તેની સામે ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. જોકે, નવી ભાષાકીય પરીક્ષામાં પાસ થવાની સૌથી વધુ મુશ્કેલી પણ ચીનના વિદ્યાર્થીઓ સહન કરી રહ્યા છે. ઓસ્બોર્ન, સાજિદ અને ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડ વિદ્યાર્થીઓને ઈમિગ્રેશન કાપની યાદી બહાર મૂકવાના આગ્રહી છે, જ્યારે હોમ સેક્રેટરી મે તેનો વિરોધ કરે છે.