લંડનઃ સ્ટાર્મર સરકાર બ્રિટનમાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને ચેતવણી આપી રહી છે કે જો તેઓ વિઝાની મુદત કરતાં વધુ સમય રોકાણ કરશે તો તેમને દેશનિકાલ કરાશે. હોમ ઓફિસ દ્વારા આ માટે નવું અભિયાન શરૂ કરાયું છે. હોમ ઓફિસે ચેતવણી આપી છે કે સ્ટુડન્ટ વિઝા પર કાયદેસર રીતે યુકેમાં આવ્યા બાદ રાજ્યાશ્રય માટે અરજી કરનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. અભિયાનના ભાગરૂપે હોમ ઓફિસ હવે વિદેશી વિદ્યાર્થીઓને ટેક્સ્ટ અથવા તો ઇ-મેલ દ્વારા સીધી ચેતવણી આપી રહી છે.
હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે જણાવ્યું છે કે વતનના દેશમાં સુરક્ષિત હોવા છતાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ યુકેમાં અસાયલમ માટે અરજી કરી રહ્યાં છે. આ અભિયાન અંતર્ગત 1,30,0000 વિદેશી વિદ્યાર્થી અને તેમના પરિવારજનોને મેસેજ મોકલવામાં આવી રહ્યો છે કે જો તમારી પાસે યુકેમાં રહેવાનો કાયદેસરનો પરવાનો નથી તો તમારે દેશ છોડીને ચાલ્યા જવું જોઇએ. હજારો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝાની મુદત પૂરી થવાના આરે છે ત્યારે તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને દેશનિકાલની ચેતવણી અપાઇ રહી છે.
હોમ ઓફિસ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે જો તમારો રાજ્યાશ્રયનો દાવો યોગ્યતા નહીં ધરાવતો હોય તો તેને નકારી કઢાશે. રાજ્યાશ્રય માટેની કોઇપણ અરજીની સમીક્ષા માપદંડોના આધારે કરાશે અને જો તમે માપદંડ પૂરા નહીં કરતા હો તો તમને રાજ્યાશ્રય અપાશે નહીં. જો તમારી પાસે યુકેમાં કાયદેસર રહેવાનો પરવાનો નથી તો તમારે દેશ છોડીને ચાલ્યા જવું જોઇએ અને જો તમે જાતે નહીં જાવ તો દેશનિકાલ કરાશો.
કૂપરે જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓ અસાયલમ સિસ્ટમમાં પ્રવેશી વર્ષો સુધી યુકેમાં રહે છે તેના કારણે અસાયલમ એકોમોડેશન અને હોટેલોમાં સમસ્યાઓ સર્જાય છે. અમે યોગ્ય નિરાશ્રિતોને તમામ મદદ કરીશું પરંતુ જેમના વતનના દેશ સુરક્ષિત છે તેવા વિદ્યાર્થીઓએ યુકેમાં અભ્યાસ પૂરો કર્યા બાદ રાજ્યાશ્રય માટે દાવો કરવો જોઇએ નહીં.


