લંડનઃ સરકારના ઈમિગ્રેશન લક્ષ્યાંકમાંથી વિદ્યાર્થીઓને દૂર કરવાની માગણી સાથે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન, બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદ અને ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડે હોમ સેક્રેટરી સામે મોરચો માંડ્યો છે. અત્યાર સુધી તો કેમરને થેરેસા મેને સાથ આપ્યો પરંતુ હવે ટોરી હાઈ કમાન્ડમાંથી જ વિદેશી વિદ્યાર્થીઓને લાંબા ગાળાના માઈગ્રન્ટ્સમાંથી ડીક્લાસીફાય કરવાનું દબાણ આવી રહ્યું છે. પરિણામે કેમરન પણ ઓસ્બોર્ન, જાવિદ અને હેમન્ડ સાથે જોડાવા તૈયાર થયા હોવાનું કહેવાય છે. આ વિશે ટુંક સમયમાં જ નિર્ણય લેવાશે તેમ મનાય છે.
કેબિનેટ મિનિસ્ટર્સ કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને યુકે આવવા પર નિયંત્રણો મૂકવાથી દેશના અર્થતંત્ર અને વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન થશે. ઉનાળામાં નેટ માઈગ્રેશન ૩૩૦,૦૦૦ના વિક્રમી આંકે પહોંચ્યું ત્યારે નેટ માઈગ્રેશન હજારોની સંખ્યામાં નીચે લાવી દેવાના મેના પ્રયાસો પર પાણી પરી વળ્યું હતું. આમાં ત્રીજાથી ઓછો હિસ્સો યુકે આવેલા વિદ્યાર્થીઓનો હતો.
સામૂહિક ઈમિગ્રેશન સામે થેરેસા મેનું સખત વલણ
માન્ચેસ્ટર અધિવેશનમાં હોમ સેક્રેટરી થેરેસા મેએ માઈગ્રન્ટ્સ દ્વારા જાહેર સેવાઓ પર દબાણ વધારાતું હોવાના આક્ષેપ સાથે આગામી વર્ષોમાં કડક એસાઈલમ નીતિ લાદવાની ખાતરી ઉચ્ચારી હતી. વિદેશી વિદ્યાર્થીઓને બ્રિટન આવવા પર કોઈ ચોક્કસ મર્યાદા નથી, પરંતુ હોમ સેક્રેટરી પોતાનું લક્ષ્યાંક હાંસલ કરવા વિઝા નિયમનો વધુ સખત બનાવી શકે છે. તેમણે પક્ષનું નેતૃત્વ કરવા ભાવિ જમણેરી ઉમેદવાર તરીકે પોતાનો દાવો મજબૂત કર્યો હતો. બોરીસ જ્હોન્સન અને જ્યોર્જ ઓસ્બોર્નની સાથે મે પણ કેમરનના વારસદાર બનવાની હોડમાં છે.
હોમ સેક્રેટરીના દાવાનો છેદ ઉડાવાયો
હોમ સેક્રેટરીએ પાર્ટી કોન્ફરન્સમાં ભારપૂર્વક યુકેના રાષ્ટ્રીય હિત માટે ઈમિગ્રેશન મર્યાદા જરૂરી હોવાનું કહ્યું હતું. જોકે, તેમના દાવાઓને એકેડેમિક સંશોધનનું સમર્થન મળતું નથી. ઈમિગ્રેશનની આર્થિક અસર માપવી મુશ્કેલ છે, પરંતુ પબ્લિક ફાઈનાન્સીસ પર તેની અસરો માપવા અનેક અભ્યાસો જોવાં મળે છે. તાજેતરના અભ્યાસો અનુસાર યુકેમાં નવા ઈમિગ્રન્ટ્સની સમગ્રતયા રાજકોષીય અસરો ઘણી ઓછી હોવાં છતાં તે વિધેયાત્મક અવશ્ય છે. ઈમિગ્રન્ટ્સના કારણે મૂળ વતનીઓના વેતનો ઘટતાં હોવાના પણ કોઈ પુરાવા નથી. હોમ ઓફિસનો જ ૨૦૧૪નો અભ્યાસ કહે છે કે અર્થતંત્ર મજબૂત હોય ત્યારે માઈગ્રેશનના લીધે શ્રમબજારમાં યુકેના મૂળ વતનીઓને કામ મળતું ન હોવાના પુરાવા ઓછાં છે, જ્યારે મંદીકાળમાં ટુંકા ગાળાની અસરો જોવા મળી શકે.