લંડનઃ વિદેશોને યુકેમાં મીડિયા ઓર્ગેનાઇઝનેશનના માલિક બનતા અટકાવવા બ્રિટિશ સરકાર કાયદામાં બદલાવની વિચારણા કરી રહી છે. તાજેતરમાં અબુધાબી સમર્થિત રેડબર્ડ આઇએમઆઇ દ્વારા ટેલિગ્રાફ અખબાર ખરીદવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ટેલિગ્રાફ બ્રિટનમાં પ્રભાવશાળી અખબાર છે તેથી તેની ખરીદી અંગેના પ્રયાસથી મીડિયાની સ્વતંત્રતાના મુદ્દે ઘણા સવાલો સર્જાયાં છે. વિદેશી રોકાણકારો દ્વારા બ્રિટિશ મીડિયાની ખરીદીથી પ્રેસની સ્વતંત્રતા જોખમમાં મૂકાઇ શકે છે.
બ્રિટનની રાજકીય પાર્ટીઓના 100 જેટલાં સાંસદોએ ટેલિગ્રાફની ખરીદીના પ્રયાસનો ઉગ્ર વિરોધ કર્યો છે. આ માટે તેમણે એક આવેદન પણ તૈયાર કર્યું છે. તેમણે સેન્સરશિપ અને એડિટોરિયલ હસ્તક્ષેપની સંભાવનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ટેલિગ્રાફનો સોદો થવા દેવો કે નહીં તેના પર મીડિયા મિનિસ્ટર લ્યુસી ફ્રેઝરે નિર્ણય લેવાનો છે.
હાઉસ ઓફ લોર્ડ્સમાં ડિજિટલ માર્કેટ્સ, કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર બિલ પરાસ્ત થવાની સંભાવનાઓ વચ્ચે સરકારે જણાવ્યું છે કે ટેલિગ્રાફના વિદેશી કંપનીને વેચાણ જેવા સોદાઓ અટકાવવા અમે બિલમાં સુધારો કરીશું.
હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ પાર્કિન્સને જણાવ્યું હતું કે, સરકારઆ ખરડામાં સુધારો કરવા પ્રતિબદ્ધ છે. જેના દ્વારા વિદેશોને અખબારોની માલિકી ખરીદતા અટકાવાશે.