વિદેશીઓના ભ્રષ્ટાચારના નાણા પર બ્રિટનની ક્રાઇમ એજન્સીની લાલ આંખ

વિદેશીઓના ડર્ટી મની રોકવામાં મદદ કરતા એક ડઝનથી વધુની ધરપકડ

Wednesday 27th July 2022 07:31 EDT
 

લંડન

નેશનલ ક્રાઇમ એજન્સીએ જણાવ્યું છે કે બ્રિટનમાં વિદેશી નાણાનું રોકાણ કરતા લોકો પર તાજેતરમાં પડાયેલા દરોડાના કારણે વિદેશીઓ ભ્રષ્ટાચાર દ્વારા કમાયેલા નાણા બ્રિટનમાં રોકતા ખચકાઇ રહ્યાં છે. તાજેતરના સપ્તાહોમાં કાયદાકિય વ્યવસાયમાં સંકળાયેલા સહિત લગભગ એક ડઝન લોકોની ધરપકડ કરાઇ હતી. રશિયા જેવા દેશોને ભ્રષ્ટાચાર દ્વારા કમાયેલા નાણા બ્રિટનમાં રોકતા અટકાવવાનો આ પ્રયાસ છે. એનસીએના એક સૂત્રે જણાવ્યું હતું કે, આ ધરપકડોના પગલે લંડનની લંડનગ્રેડ તરીકે ખર઼ડાયેલી છબિ સુધારવામાં મદદ મળશે. અમારી પાસે આ માહિતી કેવી રીતે આવી છે તે હું જણાવવા માગતો નથી પરંતુ અમારી આ કાર્યવાહીના કારણે બ્રિટનમાં ભ્રષ્ટાચારના નાણાના રોકાણ પર વિપરિત અસરો પડી છે. વિદેશોના ભ્રષ્ટાચારના નાણા બ્રિટનમાં રોકવામાં મદદ કરતા લોકો સામેની અમારી કાર્યવાહીના પગલે હવે તેઓ સમજી ગયાં છે કે બ્રિટનમાં તેમની દાળ ગળશે નહીં. અમારી ગુપ્તચર માહિતી બતાવે છે કે કેટલાક લોકો હવે બ્રિટનમાં વિદેશોના ભ્રષ્ટાચારના નાણાનું રોકાણ કરવાનું પસંદ કરી રહ્યાં નથી. તેના કારણે હવે લંડનની છબિ સારી બનશે. અહીં લોકો ગમે ત્યાંથી આવીને મન ફાવે ત્યાં રોકાણ કરતા હતા.

ગયા મહિને હાઉસ ઓફ કોમન્સની વિદેશ બાબતોની સમિતિએ સરકાર પર આરોપ મૂક્યો હતો કે યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું હોવા છતાં સરકાર રશિયાના ડર્ટી મનીને બ્રિટનમાં પરવાનગી આપી રહી છે. સરકારના મંત્રીઓ આ પ્રકારના નાણા આવતા અટકાવવામાં નિષ્ફળ ગયાં છે અને તેને કારણે રશિયાના પ્રમુખ પુતિનને આર્થિક મદદ મળી રહી છે. સરકારની આકરી ટીકા કરતાં સમિતિએ જણાવ્યું હતું કે, વિદેશ, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસમાં દૂરંદેશિતાનો અભાવ છે તેના કારણે સરકારે રશિયાના પુતિનના નિકટના રોકાણકારો પર પ્રતિબંધો લાદવામાં વિલંબ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter