વિદેશીઓના વિઝાની મુદત ૩૧ મે સુધી લંબાવાઇ

Friday 03rd April 2020 05:15 EDT
 
 

લંડનઃ યુકે સરકારે ભારતીયો સહિત તમામ વિદેશીઓના પૂરા થઈ ગયેલા વિઝાની મુદત ૩૧ મે સુધી લંબાવી છે. આ વિદેશીઓ કોરોનાના કારણે સ્વદેશ પહોંચી શક્યા નથી. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન કડક પ્રવાસ નિયંત્રણોના લીધે સ્વદેશ પરત થઈ શકતા નથી તેવા વિદેશીઓ સામે એન્ફોર્સમેન્ટના પગલાં લેવાશે નહિ.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે બ્રિટનમાં રહેવા માટે ભારત સહિતના દેશોમાંથી આવતા ઓવરસીઝ વિદ્યાર્થીઓ જેવી ચોક્કસ કેટેગરી માટે તેમના પોતાના દેશમાંથી કરવાની રહેતી વિઝા અરજીના બદલે હંગામીપણે બ્રિટનમાંથી જ કરી શકાશે. તેમણે કહ્યું હતું કે, ‘બ્રિટન લોકોના સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રાથમિકતા આપે છે અને પોતાના અંકુશમાં ના હોય તેવા સંજોગો માટે કોઈને સજા નહિ કરાય. લોકોના વિઝા લંબાવીને અમે તેમને માનસિક શાંતિ આપીશું અને જે લોકો મહત્ત્વની સેવાના ક્ષેત્રમાં છે તેઓ પોતાની કામગીરી ચાલુ રાખી શકે તેની ચોકસાઈ રાખીશું.’
હોમ ઓફિસે જણાવ્યું છે કે વિઝાની મુદત લંબાવવાનો નિર્ણય જેમના વિઝા ૨૪ જાન્યુઆરી પછી પૂરા થયા છે અને પ્રવાસ નિયંત્રણો અથવા સ્વ-એકાંતવાસના કારણે દેશ છોડી જઈ શક્યા નથી તેમને લાગુ પડશે. શરૂઆતમાં વિઝાની મુદત ૩૧ મે સુધી લંબાવાઈ છે પરંતુ, વધારે લંબાવવી પડે તેવા કિસ્સામાં તેને નિયમિત સમીક્ષા હેઠળ મૂકાશે. જેઓ વિઝાની મુદત લંબાવવા હોમ ઓફિસનો સંપર્ક કરે છે તેઓ ફ્લાઈટ અને સરહદી નિયંત્રણો ઉઠાવી લેવાય તેની સાથે વેળાસર પોતાના દેશમાં પહોંચે તેવી અપેક્ષા છે. ઉપરોક્ત જણાવ્યાનુસાર જેઓ હોમ ઓફિસ [email protected]ને ઈમેઈલ કરી જાણ કરશે તેમની સામે ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પગલાં લેવાશે નહિ.
જે લોકો લાંબો સમય યુકેમાં રહેવાના વિઝાની ઈચ્છા ધરાવતા હોય તેમની મદદ માટે સ્વદેશથી જ અરજી કરવાની જોગવાઈ કામચલાઉ બદલાઇ છે. મતલબ કે ટિયર-૪ (સ્ટુડન્ટ) રુટથી ટિયર-૨ (જનરલ વર્કર) રુટમાં વિઝા બદલવા માટે લોકો યુકેમાં રહીને અરજી કરી શકે છે. આ જાહેરાત પર્યટકો, પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને રાહત આપનારી છે જેઓએ વિઝાની મુદત પૂર્ણ થવા અંગે ભારતીય હાઈ કમિશનની સોશિયલ મીડિયા ચેનલ્સ પર પૂછપરછનો મારો ચલાવ્યો હતો. અન્ય વિદેશી નાગરિકોની માફક ભારતીયો પણ કોવિડ-૧૯ની મહામારીના કારણે ફ્લાઈટો રદ થતા અને સરહદી નિયંત્રણોના કારણે સ્વદેશ પરત ફરી શક્યા નથી.

ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે હોમ ઓફિસ દ્વારા વધુ એક રાહત એ મળી છે કે સેલ્ફ-આઈસોલેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગની વર્તમાન સલાહના કારણે વર્ક અથવા સ્ટડીના રૂટ હેઠળ ઘરથી અભ્યાસ કે કામ હાથ ધરવા બિનઈયુ નાગરિકોને છૂટ આપવા વિઝા સ્પોન્સર્સ માટે જરૂરિયાતોને માફી આપવામાં આવી છે. યુકે વિઝા એન્ડ ઈમિગ્રેશન (UKVI) ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે તેઓ બને તેટલી ઝડપે અરજીઓ પર કામગીરી કરશે પરંતુ, કોવિડ-૧૯ સંબંધિત કામકાજનાં દબાણોનાં લીધે કેટલીક અરજી માટે સામાન્યથી વધુ સમય લાગી શકે છે.
ભારતસ્થિત કાર્યકારી બ્રિટિશ હાઈ કમિશનર જાન થોમ્પસને જણાવ્યું હતું કે,‘વર્તમાન પરિસ્થિતિમાં વતન પરત ન જઈ શકતા પ્રવાસીઓ માટે હાલત કેવી મજબૂર હોય તેના વિશે હું બરાબર સમજું છું. આ જાહેરાત હાલ યુકેમાં રહેતા ઘણા ભારતીય નાગરિકો માટે હૈયાધારણ બની રહેશે તેવી આશા છે. ભારતમાં પણ હું અને મારો સ્ટાફ ભારતસ્થિત જરૂરિયાતમંદ બ્રિટિશ નાગરિકોને સપોર્ટ મળે તેની ચોકસાઈ માટે રાતદિવસ એક કરી રહ્યા છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter