લંડન
વિદેશમાં અભ્યાસ કરવાના ઘણા લાભ છતાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ વતનમાં પરત ફર્યા બાદ નોકરી પ્રાપ્ત કરી શક્તાં નથી. કેનેડા સ્થિત એક શિક્ષણ સંસ્થાના જણાવ્યા અનુસાર ભારત પરત ફર્યા બાદ આ વિદ્યાર્થીઓને વિદેશી ડિગ્રીની માન્યતા, વિઝા પરના નિયંત્રણો, ભાષાકીય અવરોધો અન સ્થાનિક નેટવર્કના અભાવ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.
ભારતના શિક્ષણ મંત્રાલયના આંકડા પ્રમાણે વર્ષ 2022માં 7,70,000 કરતાં વધુ ભારતીય વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરવા પહોંચ્યા છે જે છેલ્લા 6 વર્ષની રેકોર્ડ સંખ્યા છે. ભારત સરકારના આંકડા પ્રમાણે વિદેશમાં અભ્યાસ કરીને 2015થી 2019ની વચ્ચે પરત આવેલા ફક્ત 22 ટકા વિદ્યાર્થી જ ભારતમાં નોકરી પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં હતાં.
ભારતમાં નોકરી નહીં મળવાના મુખ્ય કારણમાં જોબ માર્કેટમાં વિદેશી ડિગ્રી અને ડિપ્લોમાને માન્યતા હોતી નથી. ભારતમાં સ્થાનિક કંપનીઓ સ્થાનિક લાયકાત અને અનુભવને જ મહત્વ આપે છે જેના કારણે વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મોટું નુકસાન થાય છે. વિદેશમાં અભ્યાસ કરીને ભારત પરત આવેલા વિદ્યાર્થીઓની નોકરીઓની તકોને કોરોના મહામારીએ પણ મોટો ફટકો માર્યો હતો. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી કંપનીઓએ નિયુક્તિઓ પર પણ રોક લગાવી દીધી છે.


