લંડન: ઇરાન સાથેના યુદ્ધના પરિણામે સર્જાયેલી આર્થિક અસ્થિરતા અને વધતી મોંઘવારી વચ્ચે બ્રિટન સરકારે વિદ્યાર્થી લોન લેનારા લાખો સ્નાતકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે જાહેરાત કરી છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી લોન પરનો વ્યાજ દર મહત્તમ 6 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવશે.
શિક્ષણ વિભાગે એક નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બ્રિટન જે યુદ્ધમાં સીધી રીતે સામેલ નથી, તેની કિંમત અહીંના સ્નાતકોએ વધતા બિલ અને આર્થિક બોજ તરીકે ચૂકવવી જોઈએ નહીં. મંત્રીઓના મતે, આ 'કેપ' સુનિશ્ચિત કરશે કે પ્લાન 2 અથવા પ્લાન 3 હેઠળ લોન લેનારા કોઈપણ વિદ્યાર્થીએ 6 ટકાથી વધુ વ્યાજ ચૂકવવું ન પડે.
હાલમાં પ્લાન 2 અને પ્લાન 3 હેઠળના વિદ્યાર્થીઓ માટે વ્યાજ દર 6.2 ટકા સુધી પહોંચવાની શક્યતા હતી, જેને હવે ઘટાડીને 6 ટકા પર સ્થિર કરવામાં આવ્યો છે. આ રાહત 1 સપ્ટેમ્બર 2026 થી 31 ઓગસ્ટ 2027 સુધી, એટલે કે એક વર્ષ માટે લાગુ રહેશે.
સ્કીલ્સ મંત્રી બેરોનેસ સ્મિથે જણાવ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે લોકોમાં ચિંતા છે. વૈશ્વિક આંચકાઓ આપણા નિયંત્રણમાં નથી, પરંતુ દેશના નાગરિકોનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી છે.
નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સના પ્રમુખ અમીરા કેમ્પબેલે આ નિર્ણયને 50 લાખથી વધુ લોકોની જીત ગણાવી હતી, પરંતુ સાથે જ ચેતવણી આપી હતી કે માત્ર વ્યાજ દરમાં ઘટાડો પૂરતો નથી. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી આવક મર્યાદા વધારવામાં નહીં આવે, ત્યાં સુધી સ્નાતકો પર આર્થિક બોજ યથાવત રહેશે.

