લંડનઃ કોરોના વાઈરસ મહામારીના કારણે માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે અને પરિણામે બાળકોને સ્કૂલ જવાં મળ્યું નથી ત્યારે તેમના અભ્યાસમાં તેઓ પાછળ પડી જાય તે સ્વાભાવિક છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં આવાં બાળકોને મદદ કરવા ૧ બિલિયન પાઉન્ડનાં ભંડોળની જાહેરાત કરી છે.
સૌથી વધુ તકવંચિત બાળકો બે વર્ષ ચાલનારા ૩૦૦ મિલિયન પાઉન્ડના નેશનલ પ્રોગ્રામ થકી ટ્યુટર્સની મદદ મેળવી શકશે જેથી, તેમના અભ્યાસની ખાઈ પહોળી ન થાય. આ ઉપરાંત, અભ્યાસ ગુમાવ્યો હોય તેવા તમામ પશ્ચાદભૂ સાથેના બાળકોને મદદ કરવા નર્સરીઝ, સ્કૂલ્સ અને કોલેજો વચ્ચે ૭૦૦ મિલિયન પાઉન્ડ વહેંચાશે. આ એક સમયની ગ્રાન્ટના ખર્ચ મારફત મહામારીથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષમાં કેવી રીતે મદદ કરવી તેનો નિર્ણય સ્કૂલ લીડર્સ હસ્તક રહેશે.
બાળકો શાળાએ જવાં લાગે તેનું ભારે દબાણ યુકે સરકાર પર છે. ઈંગ્લેન્ડમાં નર્સરી, રિસેપ્શન, પહેલા અને છઠ્ઠાં ધોરણની પ્રાઈમરી તેમજ સેકન્ડરી શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨માં કેટલાક બાળકો જવાં લાગ્યાં છે. જોકે, સપ્ટેમ્બર સુધી તમામ શાળાઓ ખુલે તેવાં કોઈ અણસાર નથી. ઉનાળાના વેકેશન અગાઉ તમામ પ્રાઈમરી શાળાના બાળકોને અભ્યાસ શરુ કરાવી દેવાની સરકારની યોજના સફળ થઈ નથી.
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે,‘ આ એક બિલિયન પાઉન્ડનું કેચ-અપ પેકેજ શાળાઓમાં અભ્યાસમાં પાછળ રહી ગયેલા બાળકોને મદદ કરવા હેડ ટીચર્સને સહાયરુપ બનશે. તમામ બાળકો સપ્ટેમ્બર મહિનાથી શાળાએ આવતાં થાય તે માટે તમામ કરવા હું કૃતનિશ્ચયી છું અને આ વેળાસર બને તે માટે અમે ટુંક સમયમાં જ યોજનાઓ જાહેર કરીશું.’
એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસને જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાથી નવા નેશનલ ટ્યુટરિંગ પ્રોગ્રામ (NTP) હેઠળ સબસિડાઈઝ્ડ ટ્યુટરિંગ શરુ કરાશે જે યોજનાના પ્રથમ વર્ષમાં સરકારી શાળાઓને કલાકના ૧૨ પાઉન્ડનો ખર્ચ આવશે, જે સામાન્ય રીતે ખાનગી ટ્યુટર્સ કે પ્રોવાઈડર્સ દ્વારા ૫૦ પાઉન્ડ પ્રતિ કલાક ચાર્જ કરાય છે.


