વિદ્યુત મોહન ટાકાચાર અર્થશોટ પ્રાઈઝના વિજેતા

Wednesday 27th October 2021 06:49 EDT
 
 

લંડનઃ પ્રિન્સ વિલિયમ દ્વારા સ્થાપિત અને ‘ઈકો ઓસ્કાર’ તરીકે જાણીતા અર્થશોટ પ્રાઈઝના ‘ક્લીન અવર એર’ કેટેગરીમાં પ્રથમ વિજેતા બનવાનું બહુમાન ભારતના દિલ્હીસ્થિત ૨૯ વર્ષીય એન્ટ્રેપ્રીન્યોર વિદ્યુત મોહન ટાકાચારને મળ્યું છે. કૃષિ પાકના અવશેષો-કચરાને વેચાણ કરી શકાય તેવા બાયો-પ્રોડક્ટ્સમાં ફેરવવાની સસ્તી ટેકનોલોજી બદલ ૧ મિલિયન પાઉન્ડ (૧.૩ મિલિયન ડોલર) નું આ ઈનામ ૧૭ ઓક્ટોબરે લંડનના એલેકઝાન્ડ્રા પેલેસમાં ભવ્ય સમારંભમાં જાહેર કરાયું હતું. બ્રિટિશ હાઈકમિશને ૧૯ ઓક્ટોબરે નવી દિલ્હીમાં વિશેષ સમારંભમાં વિદ્યુત મોહનને વિજેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ડ્યૂક ઓફ કેમ્બ્રીજ, પ્રિન્સ વિલિયમે પૃથ્વી ગ્રહને બચાવવાનો પ્રયાસ કરનારા લોકો માટે વાર્ષિક અર્થશોટ પ્રાઈઝની જાહેરાત કરી છે જેના ૨૦૨૧ના પાંચ વિજેતામાં વિદ્યુત મોહનનો સમાવેશ થાય છે. ટાકાચારની સ્મોલ સ્કેલ, લો-કોસ્ટ પોર્ટેબલ સિસ્ટમ્સની ટેકનોલોજીના ઉપયોગથી ભારતના ખેતરોમાં પાકનો કચરો બાળવામાં આવે છે તેનાથી ધૂમાડાના પ્રમાણમાં ૯૮ ટકા ઘટાડો થાય તેમ છે તેમજ અસરગ્રસ્ત વસ્તીના આયુષ્યમર્યાદામાં પાંચ વર્ષ સુધીનો વધારો શક્ય બને છે. તેના ઉપયોગથી હવા શુદ્ધ થવા સાથે દર વર્ષે બિલિયન ટન્સ કાર્બન ડાયોક્સાઈડનો ઘટાડો શક્ય બનશે. વિદ્યુત મોહન સોશિયલ એન્ટરપ્રાઈસ ટાકાચારનો સ્થાપક છે. આ કેટેગરીમાં અન્ય ૧૪ વર્ષીય ભારતીય ફાઈનાલિસ્ટ તામિલનાડુની સ્કૂલગર્લ વિનિશા ઉમાશંકર હતી જેનો પ્રોજેક્ટ સોલાર પાવર આધારિત આયર્નિંગ કાર્ટનો હતો જેનાથી હજારો ટન કોલસાનો ઉપયોગ અટકાવી શકાયો હતો. વિનિશા અને તેના પ્રોજેક્ટને ધ અર્થશોટ પ્રાઈઝ ગ્લોબલ એલાયન્સ દ્વારા તેના કાર્યને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવાનો સપોર્ટ અપાશે.

આગામી દાયકા સુધી દર વર્ષે પૃથ્વીની પર્યાવરણીય સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત પ્રોજેક્ટ્સ માટે આ ઈનામો આપવામાં આવનાર છે. પાંચ કેટેગરીમાં ૧૫ નામ શોર્ટલિસ્ટ કરાયા હતા જેના નિર્ણાયકોમાં બ્રોડકાસ્ટર સર ડેવિડ એટનબરો, અભિનેત્રી કેટ બ્લેન્ચેટ અને ગાયિકા શકીરા સહિતનો સમાવેશ થયો હતો. વિજેતા પ્રોજેક્ટ્સમાં ભારત ઉપરાંત, કોસ્ટા રિકા, બહામાઝ, ઈટાલી તેમજ સંયુક્તપણે થાઈલેન્ડ-જર્મની-ઈટાલીનો સમાવેશ કરાયો હતો.

નવી દિલ્હીમાં અર્થશોટ પ્રાઈઝ વિજેતાઓને સન્માનવાના ૧૯ ઓક્ટોબરના કાર્યક્રમમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જાન થોમ્પસને વિદ્યુત મોહન અને વિનિશા ઉમાશંકરને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter