વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ મુદ્દે આખરે વડાપ્રધાન સ્ટાર્મરનો યુ-ટર્ન

મહત્તમ પેન્શનર વિન્ટર ફ્યુઅલ પેમેન્ટને પાત્ર બને તેવા પ્રયાસ કરાશેઃ વડાપ્રધાન

Tuesday 27th May 2025 15:23 EDT
 

લંડનઃ આખરે સ્ટાર્મર સરકાર વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ પર યુ- ટર્ન લેવા તૈયાર થઇ ગઇ છે. વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું છે કે વધુ પેન્શનરોને વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ પ્રાપ્ત થાય તેમ હું ઇચ્છું છું. અગાઉ લેબર સરકારે 9 મિલિયન પેન્શનરોને અપાતા પ્રતિ વર્ષ 300 પાઉન્ડના પેમેન્ટ પર રોક લગાવી દીધી હતી જેના કારણે ઘણા સાંસદો અને સ્થાનિક ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોમાં કચવાટ પ્રવર્તી રહ્યો હતો.

બુધવારે પ્રાઇમ મિનિસ્ટર ક્વેશ્ચનમાં સ્ટાર્મરે વચન આપ્યું હતું કે સરકાર વધુને વધુ પેન્શનર વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ માટે યોગ્ય ઠરે તે સુનિશ્ચિત કરશે. આગામી થોડા જ સમયમાં આ અંગે નિર્ણય લેવાશે.

લેબર સાંસદ સારા ઓવેનના સવાલનો જવાબ આપતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે આકરા પરંતુ સાચા નિર્ણયો લઇને અર્થતંત્રને સ્થિર કર્યું છે. આ નિર્ણયોના કારણે જ આર્થિક વૃદ્ધિદરમાં વધારો થઇ શક્યો છે. વ્યાજદરોમાં 4 વાર ઘટાડો કરી શકાયો છે અને અમે 3 વેપાર કરાર કરવામાં સફળ રહ્યાં છીએ.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું સારી રીતે જાણું છું કે હજુ લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે. તેમાં પેન્શનરો પણ સામેલ છે. અમે ઇચ્છીએ છીએ કે આર્થિક વૃદ્ધિના ફળ લોકો સુધી પણ પહોંચે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter