લંડનઃ વેન્ડી વિલિયમ્સના વિન્ડરશ લેસન્સ લર્ન્ડ રિવ્યુના પ્રતિભાવમાં હોમ ઓફિસ દ્વારા લેવાયેલાં પગલાંની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે મંગળવારે માહિતી આપી હતી. તેમાં હોમ ઓફિસમાં ફરજ બજાવતી દરેક વ્યક્તિને આ દેશમાં માઈગ્રેશન અને જાતિના ઈતિહાસની સમજણ મળે અને મૂલ્યાંકન કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત તાલીમ આપવાનો સમાવેશ થાય છે. હોમ ઓફિસમાં કાર્યરત દરેક વર્તમાન અને નવા સ્ટાફ કર્મચારીએ આ ટ્રેનિંગ લેવાની રહેશે.
વ્યક્તિગત અરજીઓ પર કરુણાસભર અભિગમ અપનાવવા પર ભાર મૂકાશે અને સાંસદોને તેમની વિવેકબુદ્ધિ અને વ્યવહારિકતાનો ઉપયોગ કરવાની સત્તા અપાશે. નીતિ માટે આધાર ઉભો કરવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ સોસાયટી અને પ્રજા સાથેનું જોડાણ વધારવામાં આવશે. હોમ સેક્રેટરીના જણાવ્યા મુજબ આ પગલું સ્ક્રુટિની માટે હોમ ઓફિસની નિખાલસતામાં પરિવર્તન લાવશે.
હોમ ઓફિસ જે વિવિધ કોમ્યુનિટીને સેવા પૂરી પાડે છે તેમાં સિનિયર જોબ્સ માટે ડાયવર્સ શોર્ટલિસ્ટ્સ અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનની વ્યવસ્થા ઉભી કરાશે. તેને લીધે સાંસ્કૃતિક પરિવર્તનને આગળ ધપાવવામાં વધુ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીના લોકો સિનિયરની ભૂમિકા ભજવશે.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેની તકેદારી માટે તેઓ આ રિવ્યુના મહત્ત્વના તારણોને અમલમાં મૂકવા માગે છે. વિન્ડરશ દ્વારા અસર પામેલા લોકો સુધી પહોંચવા અને તેમને મદદરૂપ થવા માટે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ તથા બિશપ ડેરેક વેબ્લી વિન્ડરશ ક્રોસ-ગવર્નમેન્ટ વર્કિંગ ગ્રૂપની મિટીંગોનું સહઅધ્યક્ષપદ સંભાળવાનું ચાલુ રાખશે. રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય ક્ષેત્રોમાં વિન્ડરશ જનરેશન અને તેમના વંશજોને અસર કરતી અસમાનતાઓની ગ્રૂપ દ્વારા ચકાસણી કરાશે.