લંડનઃ વિન્ડસરમાં પોલો રમતી વખતે ભારતીય અબજોપતિ સંજય કપુરનું નિધન થયું હતું. એમ કહેવાય છે કે શંકાસ્પદ હાર્ટ એટેક મધ્યે સંજય કપુર મધમાખી ગળી ગયાં હતાં. 53 વર્ષીય સંજય કપુર ઓટોમોટિવ પાર્ટ્સ ઉત્પાદક સોના કોમસ્ટારના ચેરમેન હતા અને ક્વીન્સ કપની સેમી ફાઇનલમાં ગાર્ડ્સ પોલો ક્લબ ખાતે અન્ય ભારતીય ટીમ સુજાન ઇન્ડિયન ટાઇગર્સ સામેની મેચ રમી રહ્યા હતા. સંજય કપુર બોલિવૂડ સ્ટાર કરિશ્મા કપુરના પૂર્વ પતિ પણ હતા. તેઓ માર્ક ટોમલિનસનની કેપ્ટનશિપ હેઠળની ઔરિયસ ટીમની માલિકી ધરાવતા હતા.
2.7 બિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવતી લિસ્ટેડ ભારતીય કંપની સોના કોમસ્ટારે જણાવ્યું હતું કે, અમે અમારા ચેરમેનના નિધનથી ઘણા વ્યથિત છીએ. તેઓ એક વિઝનરી બિઝનેસ લીડર હતા. તેમના જુસ્સા, દૂરંદેશી અને પ્રતિબદ્ધતાએ કંપનીને ઘણી સફળતાઓ અપાવી છે.
ભારતની બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સંજય કપુરે બકિંગહામ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. 1995માં તેમના પિતા દ્વારા સ્થપાયેલી કંપનીને તેમણે 2015માં હસ્તગત કરી હતી. અમેરિકન નાગરિકતા ધરાવતા સંજય કપુરની નેટ વર્થ 1.2 બિલિયન ડોલર હતી. સંજય કપુર પ્રિન્સ વિલિયમ સાથે સારી મિત્રતા ધરાવતા હતા.
સંજય કપુરના અચાનક નિધનથી ભારે દુઃખ થયુઃ કમલ પાનખણિયા
લંડનઃ વેસ્ટકોમ્બના ચીફ એક્ઝિક્યુટિવ કમલ પાનખણિયાએ જણાવ્યું હતું કે, સંજય કપુરના અચાનક નિધનના સમાચાર સાંભળીને ભારે દુઃખ થયું. તેમના નિધનથી સમાજને મોટી ખોટ પડી છે. આ મુશ્કેલ સમયમાં મારી પ્રાર્થના, સંવેદના અને દિલસોજી તેમના પરિવાર સાથે છે.