વિન્ફ્રે સાથે ઈન્ટર્વ્યૂનું ફિલ્મિંગઃ શાહી પરિવાર નર્વસ

Wednesday 24th February 2021 04:59 EST
 
 

લંડનઃ સસેક્સ દંપતીના ટોક શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે ૭ માર્ચે બ્રોડકાસ્ટ થનારા ઈન્ટર્વ્યૂનું રેકોર્ડિંગ પણ ગત સપ્તાહે થઈ ગયાનું કહેવાય છે. આ ઈન્ટર્વ્યૂ બાબતે શાહી વર્તુળોમાં એક પ્રકારનો ગભરાટ છવાયો છે કે શાહી પરિવારની પુત્રવધુ મેગન કેટલા વટાણા વેરી પરિવારને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકશે. કેટલાક નીરિક્ષકોના માનવા અનુસાર મેગન શાહી પરિવાર અને ખાસ કતરીને ક્વીનની સીધી ટીકાઓ ટાળશે પરંતુ, કહેવાતા દરબારીઓ માટે કડક શબ્દોનો ઉપયોગ કરશે. જોકે, ઈન્ટર્વ્યૂ પ્રસારિત નહિ થાય ત્યાં સુધી તેમની ઊંઘ વેરણ બની જશે.

પબ્લિક રીલેશન્સ કંપની ફોર કોમ્યુનિકેશન્સના બ્રાન્ડ એક્સપર્ટ પિઅર્સ બ્રાચેરનું કહેવું છે કે સસેક્સ દંપતીએ બ્રિટનમાં સહાનુભૂતિનું યુદ્ધ ગુમાવી દીધાનું જણાય છે. આ સંજોગોમાં અમેરિકામાં તેમની કહાણી કેવી રીતે કહેવાય તેના પર કાબુ રાખવાનું લક્ષ્ય છે. અમેરિકામાં સસેક્સ દંપતીના વ્યાપારી હિતો છે અને વસવાટ છે ત્યારે યુએસમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા વિન્ફ્રેની પહોંચનો ઉપયોગ કરશે.

દરમિયાન, સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ ગત સપ્તાહે બુધવાર અને ગુરુવારે જ યુએસ ટોક શોના હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે સાથે સસેક્સ દંપતીના ઈન્ટર્વ્યૂનું ફિલ્માંકન પણ કરી લેવાયું હોવાનું બહાર આવ્યું છે.  ૭ માર્ચે રજૂ થનારો આ પ્રાઈમ ટાઈમ કાર્યક્રમ ટેલિવિઝન શો માટે ‘સોનાની ખાણ’ બની રહેશે તેમ કહેવાયું છે. હેરી અને મેગને ક્વીનના નિવેદનનો પ્રત્યુત્તર વાળ્યો તેના થોડા કલાક અગાઉ તેઓ ઓપ્રાહ વિન્ફ્રે સાથે હતાં. વિન્ફ્રે તેની માલિકીના ૫૦ મિલિયન પાઉન્ડના ગલ્ફસ્ટ્રીમ જેટ વિમાનમાં બેસી સસેક્સ દંપતીના સાન્ટા બાર્બરાના નિવાસે પહોંચી હતી. અહીંથી થોડે દૂર જ વિન્ફ્રેનું રહેઠાણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter