વિન્સ કેબલ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મુદ્દે ભારતની મુલાકાતેઃ

Thursday 11th December 2014 10:43 EST
 

ચાર શકમંદ ઈસ્લામિક ત્રાસવાદી પકડાયાઃ સમગ્ર રાજધાનીમાં  અનેક સ્થળોએ ઈસ્લામિક ત્રાસવાદવિરોધી દરોડામાં ચાર શકમંદ ત્રાસવાદીની ધરપકડ કરાઈ હતી. ૨૧ વર્ષીય એક શકમંદ પર વીજશેરડો ચલાવાયો હતો. જોકે, તેને ઈજા થઈ નથી. સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે ત્રાસવાદી પ્રવૃત્તિ આચરવા, તૈયારી અને આવી પ્રવૃત્તિ માટે ઉશ્કેરણીની શંકાના આધારે ૨૦થી ૨૧ વર્ષની વયની ચાર વ્યક્તિને ધરપકડ પછી પશ્ચિમ અને સેન્ટ્રલ લંડનમાં પોલીસ સ્ટેશનોએ કસ્ટડીમાં રખાયા હતા. પશ્ચિમ અને સેન્ટ્રલ લંડનમાં અનેક નિવાસી સરનામા અને વાહનોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
અંજેમ ચૌધરીની ધર્મઝનૂનીઓ સાથે સાંઠગાંઠઃ બ્રિટિશ કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરી સહિત ૪૬ ઈસ્લામિક કટ્ટરવાદીએ બેલ્જિયમના યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને સીરિયા મોકલવાની તજવીજ કરી હોવાનું બહાર આવ્યું છે. ચૌધરી ઉગ્રવાદી જૂથ શરીઆ ફોર બેલ્જિયમના નેતા ફોઆદ બેલકાસેમ સાથે સંકળાયો હોવાનું બેલ્જિયન પ્રોસિક્યુટરોએ જણાવ્યું છે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ જૂથ શરીઆ કાયદા માટે અભિયાન ચલાવી રહ્યું હતું. બેલકાસેમ સાથે ટેલીફોન વાતચીતમાં ચૌધરી અનુયાયીઓ ઉભા કરવાનું માર્ગદર્શન આપતા જાણવા મળ્યું હતું.
ઈસ્લામ એકેડેમી પર પોલીસનો દરોડોઃ ઈસ્ટ લંડનમાં ટાવર હેમલેટ્સ વસાહતમાં આવેલા ટ્યુશન સેન્ટર ધ સિદ્દિક એકેડેમી સાથે ઈસ્લામિક ઉગ્રવાદીની સંડોવણી બહાર આવી છે. બે સપ્તાહ અગાઉ આ એકેડેમી પર દરોડા પડ્યા હતા. એકેડેમીનું સંચાલન મિઝાનુર રહેમાન હસ્તક હતું. ઉલ્લેખનીય છે કે મિઝાનુરને ૯/૧૧ જેવા હુમલાઓ ફરી કરવાની હાકલ બદલ ૨૦૦૭માં ચાર વર્ષની જેલ થઈ હતી. મિઝાનુર રહેમાનની સાથે કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીને પણ પકડી લેવાયો છે. બન્નેને પાછળથી જામીન પર મુક્ત કરાયા હતા.
મધ્યમ વર્ગો પર ટેક્સવધારાની નિક ક્લેગની માગણીઃ યુકેના મધ્યમ વર્ગ પર ટેક્સવધારો લાદવાની ખાતરી નહીં અપાય તો ટોરી અને લિબ ડેમોક્રેટ્સ પાર્ટી વચ્ચે ભવિષ્યમાં ગઠબંધન શક્ય બનશે નહિ. ગ્લાસગોમાં લિબરલ-ડેમોક્રેટ્સ પાર્ટીના ઓટમ અધિવેશનમાં નિક ક્લેગે સંખ્યાબંધ ‘રેડ લાઈન્સ’ દોરી હતી, જેના લીધે ભાવિ ગઠબંધન ખતરામાં આવી પડ્યું છે. મધ્યમ વર્ગના બ્રિટિશરોને કરમાં કાપની કેમરનની ખાતરી પર ક્લેગે પ્રહારો કર્યા હતા.
ક્વીન અને પ્રિન્સ વિલિયમે મેન્શન ટેક્સ ચૂકવવો પડશેઃ લેબર પાર્ટીની સરકાર રચાશે તો ક્વીન અને પ્રિન્સ ઓફ વિલિયમે ફરજિયાત મેન્શન ટેક્સ ચૂકવવો પડશે. શેડો ચાન્સેલર એડ બોલ્સે સ્પષ્ટ કર્યું હતું કે કોઈના પણ માટે અલગ નિયમો નથી. ક્વીને સેન્ડ્રિંગહામ અને બાલ્મોરલની મિલકતો માટે ઊંચો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે. જોકે, સ્પેશિયલ રુલ્સ હેઠળ બકિંગહામ પેલેસ અને વિન્ડસર કેસલને માફી મળશે. લેબર અધિવેશનમાં એડ બોલ્સે જાહેર કર્યું હતું કે બે મિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યના ઘર પર ઊંચા ટેક્સ લાગશે.
ગ્રિફિથની બ્રિટિશ નેશનલ પાર્ટીમાંથી હકાલપટ્ટીઃ જમણેરી બ્રિટિશ નેશનલ પાર્ટી (બીએનપી)એ તેના પૂર્વ નેતા નિક ગ્રિફિથને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. જુલાઈ મહિનામાં તેમણે પક્ષના નેતાપદનો ત્યાગ કર્યો હતો. પક્ષના સભ્યોને હેરાન કરવા તેમ જ ઉચ્ચ નેતાઓ અને પક્ષમાં કટોકટી હોવાં વિશે ઈરાદાપૂર્વક જૂઠાણાં ફેલાવવાના આક્ષેપો તેમની સામે કરાયા હતા. એક સભ્યને ધમકી આપ્યાનો પણ તેમના પર આક્ષેપ હતો. તેઓ પોતાના અનુગામી નેતા આદમ વોકરની સૂચનાઓનું પાલન કરતા ન હતા. પક્ષની વર્તણૂંક સમિતિએ તેમને દોષિત ઠરાવ્યા હતા. જોકે, ૧૫ વર્ષ સુધી પક્ષનું નેતૃત્વ અને રાજીનામા પછી માનદ પ્રમુખ બનેલા ૫૫ વર્ષીય ગ્રિફિથે કમિટીનાં તારણો ફગાવી દીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter