લંડનઃ વિમાનમાં બાળક સાથે બેસવા માટે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા વધારાના ચાર્જ પર રોક લગાવવાની કવાયત સરકાર દ્વારા શરૂ કરાઇ છે. નવા પ્રસ્તાવિત નિયમો અનુસાર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના માતાપિતા કે સાથેના પુખ્ત વ્યક્તિની બાજુમાં બેસવા માટે મફત સીટ ફાળવવી ફરજિયાત બનશે. તે ઉપરાંત ફ્લાઇટ બુકિંગમાં સ્પેલિંગ કે નામની સામાન્ય ભૂલો સુધારવા માટે પણ મુસાફરો પાસેથી હવે કોઈ વધારાનો ફી ચાર્જ લેવામાં આવશે નહીં.
સરકારી સૂત્રો મુજબ, આગામી વર્ષના ઉનાળાનું વેકેશન શરૂ થાય તે પહેલાં આ ફેરફારો લાગુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન એન્ડી બર્નહામે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો પર લાદવામાં આવતા છૂપા ચાર્જીસ દૂર કરવા આ પગલું ભરવામાં આવ્યું છે. આ ફેરફારો હાલમાં પાર્લામેન્ટમાં વિચારણા હેઠળના સિવિલ એવિએશન (કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ રેગ્યુલેટરી રિફોર્મ) બિલનો એક ભાગ છે.


