લંડનઃ એર ઇન્ડિયા વિમાન ક્રેશની તપાસ પર પ્રવર્તી રહેલી શંકાઓ મધ્યે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડિરેક્ટર જનરલે કોકપિટમાં સીસીટીવી કેમેરા લગાવવાની માગ કરી છે જેથી અકસ્માતના કિસ્સામાં યોગ્ય તપાસ માટે પાયલટની ગતિવિધિઓ સારી રીતે રેકોર્ડ કરી શકાય.
વિલિ વોલ્શે જણાવ્યું હતું કે, દુર્ઘટનાની તપાસમાં સહાય માટે કોકપિટનો વીડિયો સામેલ કરવાની માગ ઉગ્ર બની રહી છે. આપણે માનીએ છીએ કે કોઇપણ મોટી દુર્ઘટના અથવા બનાવની સંપુર્ણ અને યોગ્ય તપાસ કરાય અને માહિતી જાહેર કરાય જેથી તમામને લાભ થઇ શકે. વીડિયો રેકોર્ડિગ કરવાથી તપાસકર્તાઓને તપાસ કરવામાં વધુ સરળતા રહી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ઘણી વિમાની દુર્ઘટનાઓ સર્જાઇ છે તેથી હવે વીડિયો રેકોર્ડિગ મહત્વનું બની રહ્યું છે. વીડિયો રેકોર્ડિંગ તમામ સવાલના જવાબ આપી શકે છે. જનતા જવાબ માગી રહી છે.
જોકે પાયલટો તેનો વિરોધ કરી રહ્યાં છે કારણ કે તેમને ભય છે કે તેનાથી તેમની પ્રાઇવસીનું ઉલ્લંઘન થઇ શકે છે.


