લંડનઃ ઈલિંગ સાઉથોલના સાંસદ વિરેન્દ્ર શર્માએ કાશ્મીરના પુલવામા ખાતે ત્રાસવાદી હુમલામાં ૪૨ સુરક્ષા જવાનોની શહીદી અંગે દિલસોજી વ્યક્ત કરવા સાથે હુમલાખોરોની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને ભારતની પ્રજાને હિંસા વિરુદ્ધ પોતાનું સતત સમર્થન જાહેર કર્યું હતું.
ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટેરિયન ગ્રૂપના અધ્યક્ષ વિરેન્દ્ર શર્માએ હુમલાને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, ‘હિંસાની અર્થવિહોણી અમાનવીય ઘટનાથી હું દુઃખી છું. ત્રાસવાદી હુમલામાં મોતને ભેટેલા તમામ લોકોના પરિવારો પ્રત્યે હું દિલસોજી વ્યક્ત કરવા ઈચ્છું છું. હુમલામાં સંડોવાયેલા તમામની હું નિંદા કરું છું અને કાશ્મીર મામલે ભારતને મારા સપોર્ટનો પુનરુચ્ચાર કરું છું. ત્રાસવાદ રાજકીય વિવાદનો ઉકેલ નથી. જે લોકો ભય અને વિખવાદ ફેલાવવા માગે છે તેઓ નિષ્ફળ જ રહેશે.’
તેમણે બ્રિટિશ ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટને કાશ્મીરનો ઉલ્લેખ ‘ભારતના વહીવટ હેઠળના કાશ્મીર’ તરીકે ન કરવા જણાવી કહ્યું હતું કે કાશ્મીર ૧૯૪૭માં સત્તાવારપણે ભારત સાથે જોડાયું ત્યારથી ભારતનું અવિભિન્ન અંગ છે.


